26 July, 2023 03:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિરાગ શેટ્ટી (ડાબે) અને સાત્વિકસાઇરાજ રૅન્કીરેડ્ડીને હવે મેન્સ ડબલ્સમાં નંબર-વન બનતાં હવે બહુ વાર નહીં લાગે.
બે દિવસ પહેલાં કોરિયા ઓપનનું ટાઇટલ જીતનાર ભારતના સાત્વિકસાઇરાજ રૅન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી મેન્સ બૅડ્મિન્ટનના ડબલ્સના રૅન્કિંગમાં નંબર-થ્રી પરથી નંબર-ટૂ પર આવી ગયા છે. તેમનો આ કરીઅર-બેસ્ટ રૅન્ક છે. આ એશિયન ચૅમ્પિયન જોડી વર્તમાન બૅડ્મિન્ટન સીઝનમાં સ્વિસ ઓપન અને ઇન્ડોનેશિયા ઓપન પણ જીતી હતી અને હવે તેમના નામે કુલ ૮૭,૨૧૧ પૉઇન્ટ છે.
સાત્વિક-ચિરાગે રવિવારે કોરિયા ઓપનની ફાઇનલમાં વર્લ્ડ નંબર-વન ઇન્ડોનેશિયન જોડી ફજાર અલ્ફિયાન અને મુહમ્મદ રિયાન આર્ડિયાન્ટોને ખૂબ હંફાવ્યા પછી ૧૭-૨૧, ૨૧-૧૩, ૨૧-૧૪થી પરાજિત કરીને અપસેટ સરજ્યો હતો. સાત્વિક-ચિરાગ ૨૦૨૩ના વર્ષમાં એક પણ ફાઇનલ હાર્યા નથી અને બીડબ્લ્યુએફ ટૂરમાં તેઓ છેલ્લી સતત ૧૦ મૅચ જીત્યા છે.
પ્રણોય હજીયે ૧૦મા નંબરે
મેન્સ સિંગલ્સમાં ભારતનો ટૉપ-રૅન્ક્ડ ખેલાડી એચ. એસ. પ્રણોય હજી પણ વર્લ્ડ રૅન્કિંગ્સમાં ૧૦મા સ્થાને છે.
સાઇના નેહવાલ છેક ૩૭મા સ્થાને
મહિલાઓમાં પી. વી. સિંધુએ સિંગલ્સમાં ૧૭મો રૅન્ક જાળવી રાખ્યો છે, જ્યારે ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન સાઇના ૩૬ પરથી ૩૭મા નંબરે આવી ગઈ છે.