વર્લ્ડ પિકલબૉલ લીગની પ્રથમ સીઝન માટે ઍક્ટ્રેસ સમન્થા બની ચેન્નઈ ફ્રૅન્ચાઇઝીની ઓનર

21 August, 2024 11:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સમન્થાએ મુંબઈમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કહ્યું હતું કે, હું આ લીગને લઈને ઉત્સાહિત છું

વર્લ્ડ પિકલબૉલ લીગમાં ચેન્નઈ ફ્રૅન્ચાઇઝીની ઓનર

મલ્ટિ-સ્પોર્ટ્સ રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહેલા ભારતમાં વધુ એક રમતની ફ્રૅન્ચાઇઝી આધારિત લીગની જાહેરાત કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૫માં ૨૪ જાન્યુઆરીથી બીજી ફેબ્રુઆરી વચ્ચે વર્લ્ડ પિકલબૉલ લીગની ડેબ્યુ સીઝનના આયોજનની જાહેરાત કરવામાં આવી છે. સાઉથની ફિલ્મોની ઍક્ટ્રેસ સમન્થા રુથ પ્રભુ આ લીગમાં ચેન્નઈ ફ્રૅન્ચાઇઝીની ઓનર બની છે.

સમન્થાએ મુંબઈમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કહ્યું હતું કે ‘હું આ લીગને લઈને ઉત્સાહિત છું. મારું ધ્યેય વધુ મહિલાઓ અને યુવાન છોકરીઓને રમતગમતમાં સામેલ થવા પ્રોત્સાહિત કરવાનો છે.’ 
ઑલ ઇન્ડિયા પિકલબૉલ અસોસિએશન તથા ઇન્ટરનૅશનલ પિકલબૉલ ફેડરેશનના પ્રમુખ અરવિંદ પ્રભુ અને વર્લ્ડ પિકલબૉલ લીગના ફાઉન્ડર ગૌરવ નાટેકર પણ અહીં હાજર રહ્યા હતા. અર્જુન અવૉર્ડથી સન્માનિત ગૌરવ નાટેકર ભારતના ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી છે. 

પિકલબૉલ શું છે?

પિકલબૉલ એ ટેનિસ, ટેબલ ટેનિસ અને બૅડ્‍મિન્ટનના કૉમ્બિનેશનવાળી રમત છે. ૧૯૬૫માં અમેરિકાથી શરૂ થયેલી આ રમત હાલ ભારત સહિત ૭૦થી વધુ દેશો સુધી પહોંચી છે. મુંબઈમાં પણ પિકલબૉલની ઘણી ઇવેન્ટ યોજાઈ રહી છે. આ રમતને ઑલિમ્પિક્સમાં સામેલ કરવાની કવાયત પણ ચાલી રહી છે. 

samantha ruth prabhu sports sports news