તારી ૨૮ નંબરની જર્સી અજેય ગોલ અને અજોડ કૌશલ્યનો પર્યાય હતી

30 October, 2024 09:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાની રામપાલને લેટર લખીને નરેન્દ્ર મોદીએ કહ્યું...

વિમેન્સ હૉકી ટીમની ભૂતપૂર્વ કૅપ્ટન રાની રામપાલ

ગયા અઠવાડિયે રિટાયરમેન્ટ લેનાર વિમેન્સ હૉકી ટીમની ભૂતપૂર્વ કૅપ્ટન રાની રામપાલની ૨૮ નંબરની જર્સીને ભારતીય વિમેન્સ હૉકીમાંથી નિવૃત્ત કરવામાં આવી હતી. હાલ તે સ્પોર્ટ‍્સ ઑથૉરિટી ઑફ ઇન્ડિયામાં યુવા પ્લેયર્સને કોચિંગ આપી રહી છે. ગઈ કાલે લેટર લખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેની ભરપૂર પ્રશંસા કરી હતી. હરિયાણાની આ હૉકી પ્લેયર માટે લખેલા આ લેટરને હૉકી-ઇન્ડિયાએ સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો, જેમાં કેટલીક રસપ્રદ વાતો જોવા મળી. 

તું દેશની મહિલાશક્તિની અપાર સંભાવનાઓની સાચી રાજદૂત રહી છે. શ્રેષ્ઠતાને પુનઃ વ્યાખ્યાયિત કરીને અને યુવા પ્લેયર્સ માટે એક માપદંડ નક્કી કરીને તેં દર્શાવ્યું છે કે ભારતીય મહિલાઓ શું હાંસલ કરી શકે છે એની કોઈ મર્યાદા નથી.

ભારતીય વિમેન્સ હૉકીમાં તારી ૨૮ નંબરની જર્સી અજોડ કૌશલ્ય અને અજેય ગોલનો પર્યાય હતી. જોકે તું ફરીથી મેદાન પર જોવા નહીં મળે, પરંતુ તેં અમને આપેલી યાદો હંમેશાં યાદ રહેશે.

આ રમત રમવા માટે સૌથી યુવા પ્લેયર હોવાને કારણે તેં ડેબ્યુ કરતાં જ ટીમને નવી ઊર્જાથી ભરી દીધી. ત્યારથી એક ફૉર્વર્ડ તરીકે તેં ડિફેન્સને વીંધ્યા છે અને ગોલકીપરને પછાડીને  ૨૦૦થી વધુ ગોલ કર્યા છે. આ જોઈને આનંદ થાય છે કે તું રમતની નજીક રહીશ અને ભવિષ્યના પ્લેયર્સ માટે મેન્ટરની ભૂમિકા ભજવીશ. અસાધારણ કરીઅર માટે અભિનંદન અને ભવિષ્ય માટે મારી શુભકામનાઓ.

indian womens hockey team narendra modi hockey sports news sports