18 January, 2024 07:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારતીય ગ્રૅન્ડ માસ્ટર આર. પ્રજ્ઞાનાનંદ
તાતા સ્ટીલ માસ્ટર્સ ટુર્નામેન્ટમાં ચોથા રાઉન્ડમાં વર્લ્ડ ચૅમ્પિયનને હરાવ્યો
ભારતીય ગ્રૅન્ડ માસ્ટર આર. પ્રજ્ઞાનાનંદે બુધવારે તાતા સ્ટીલ માસ્ટર્સ ૨૦૨૪માં ચોથા રાઉન્ડમાં હાલના વર્લ્ડ ચૅમ્પિયન ચીનના ડિંગ લિરેનને મહાત આપી હતી. તેણે આ મોટી જીતની સાથે ટુર્નામેન્ટમાં પાંચમા રાઉન્ડમાં જગ્યા બનાવી દીધી છે. તે વિશ્વનાથન આનંદ બાદ ક્લાસિકલ ચેસના ડિફેન્ડિંગ વર્લ્ડ ચૅમ્પિયનને હરાવીને બીજો ભારતીય બની ગયો છે. આ જીત સાથે જ પ્રજ્ઞાનાનંદ, વિશ્વનાથન આનંદને પાછળ છોડીને લાઇવ ક્લાસિકલ ચેસ રૅન્કિંગમાં ભારતનો નંબર-વન ચેસ ખેલાડી બની ગયો છે અને ઇતિહાસ રચી દીધો હતો. ૧૮ વર્ષના આ દિગ્ગજ ચેસ ખેલાડી પ્રજ્ઞાનાનંદ ૨૭૪૮.૩
રેટિંગ પૉઇન્ટ સાથે બે સ્થાનની છલાંગ સાથે કુલ ૧૧મા સ્થાને પહોંચી ગયો છે, જે વિશ્વનાથન આનંદથી ૦.૩ પૉઇન્ટ વધુ છે.ભારતના માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરે પોતાના સોશ્યલ મીડિયામાં પ્રજ્ઞાનાનંદની આ સિદ્ધિ બદલ વખાણ કર્યાં હતાં. તેણે લખ્યું કે ‘વર્લ્ડ ચૅમ્પિયન ડિંગ લિરેન સામે આ જીત માટે પ્રજ્ઞાનાનંદને ઘણી બધી શુભકામનાઓ. ૧૮ વર્ષની નાની ઉંમરમાં તમે ન માત્ર રમતમાં પોતાનો દબદબો બનાવી દીધો છે, પણ ભારતના ટોચના ખેલાડી પણ બની ગયા છો.’