12 September, 2024 10:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
હૉકીને અલવિદા કહી ચૂકેલા દિગ્ગજ ગોલકીપર પી. આર. શ્રીજેશે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તરફથી મળેલા એક લેટરને સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો. ભારતીય હૉકીમાં શ્રીજેશના યોગદાનની પ્રશંસા કરતાં વડા પ્રધાન મોદીએ લેટરમાં લખ્યું હતું કે ‘તમને મળેલા વિવિધ પુરસ્કારો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચંદ્રકો દર્શાવે છે કે તમે કઈ ઊંચાઈઓને સ્પર્શ્યા છો; પરંતુ મેદાનમાં અને બહાર, તમારી નમ્રતા અને ગૌરવ પ્રશંસનીય છે. તમે રમતમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે અને હું ભારતીય હૉકીમાં તમારા અપાર યોગદાનની હૃદયપૂર્વક પ્રશંસા કરું છું. મને વિશ્વાસ છે કે તમારી નવી ભૂમિકામાં તમારું કાર્ય એટલું જ અસરકારક અને પ્રેરણાદાયી રહેશે.’
રિયો, ટોક્યો અને પૅરિસ ઑલિમ્પિક્સમાં તેના પ્રદર્શનને યાદ રાખીને તેમણે લખ્યું હતું કે ‘તમારી સાથે આવી અસંખ્ય યાદો છે અને એના માટે એક લેટર પૂરતો નથી. મને વિશ્વાસ છે કે તમારો જુસ્સો, પ્રતિબદ્ધતા અને સમર્પણ વિશ્વવિજેતાઓની આગામી પેઢીનું નિર્માણ કરશે, તમારા અથાક સમર્પણ, શાનદાર કરીઅર અને ભારતને ગૌરવ અપાવવા બદલ હું તમારો આભાર માનું છું.’
શ્રીજેશે આ લેટરના જવાબમાં સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે ‘મારી નિવૃત્તિ પર નરેન્દ્ર મોદી સરનો લેટર મળ્યો. હૉકી મારું જીવન છે અને હું રમતની સેવા કરતો રહીશ. હું ભારતને હૉકીની મહાસત્તા બનાવવા માટે કામ કરવાનું ચાલુ રાખીશ, જેની શરૂઆત ૨૦૨૦ અને ૨૦૨૪ના ઑલિમ્પિક્સ મેડલથી થઈ છે. મારામાં વિશ્વાસ રાખવા બદલ વડા પ્રધાનસાહેબનો આભાર.’ શ્રીજેશ હવે ભારતની જુનિયર હૉકી ટીમને કોચિંગ આપતો જોવા મળશે.