હૉકી ટીમે સાઇન કરેલી સ્ટિક અને અમન સેહરાવતે જર્સી ગિફ્ટ કરી નરેન્દ્ર મોદીને, મનુ ભાકરે પિસ્ટલ બતાવી પીએમને

16 August, 2024 10:46 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

હૉકી ટીમે સાઇન કરેલી સ્ટિક અને અમન સેહરાવતે જર્સી ગિફ્ટ કરી નરેન્દ્ર મોદીને, મનુ ભાકરે પિસ્ટલ બતાવી વડા પ્રધાનને

બ્રૉન્ઝ મેડલિસ્ટ હૉકી ટીમ સાથે નરેન્દ્ર મોદી (ઉપર), સ્વપ્નિલ કુસાળે સાથે નરેન્દ્ર મોદી (નીચે ડાબે), મનુ ભાકર સાથે નરેન્દ્ર મોદી (નીચે જમણે)

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે તેમના નિવાસસ્થાને પૅરિસ ઑલિમ્પિક્સમાં છ મેડલ સાથે પાછી ફરેલી ભારતીય ટીમને મળ્યા હતા.

શ્રીજેશ અને હરમનપ્રીત સાથે નરેન્દ્ર મોદી

પી.આર. શ્રીજેશ સહિતના હૉકી સ્ટાર્સે વડા પ્રધાન મોદીને સાઇન કરેલી હૉકી-સ્ટિક અને જર્સી ગિફ્ટ કરી હતી.

અમન સેહરાવત સાથે નરેન્દ્ર મોદી

કુસ્તીબાજ અમન સેહરાવતે પણ જર્સી પર સાઇન કરીને વડા પ્રધાનને ગિફ્ટ કરી હતી. બે બ્રૉન્ઝ જીતનાર મનુ ભાકરે વડા પ્રધાન મોદીને મળીને પોતાની પિસ્ટલ વિશે જાણકારી આપી હતી. વડા પ્રધાન મોદીએ બ્રૉન્ઝ જીતનાર શૂટર સ્વપ્નિલ કુસાળે અને સરબજોત સિંહ સહિત તમામ ખેલાડી સાથે મળીને વાતચીત કરી હતી. વિનેશ ફોગાટ અને નીરજ ચોપડા વિદેશમાં હોવાથી આ કાર્યક્રમમાં હાજરી આપી શક્યાં નહોતાં.

વડા પ્રધાને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું હતું કે ‘પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા ખેલાડીઓને મળીને આનંદ થયો. તેમના અનુભવો સાંભળ્યા અને રમતના મેદાનમાં તેમની સિદ્ધિઓની પ્રશંસા કરી. પૅરિસમાં જનાર દરેક ઍથ્લીટ ચૅમ્પિયન છે. ભારત સરકાર રમતગમતને સમર્થન આપવાનું ચાલુ રાખશે અને ઉચ્ચ કક્ષાનાં રમતગમતનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થાય એની ખાતરી કરશે.’

મનુ ભાકર અને સરબજોત સિંહ સાથે નરેન્દ્ર મોદી

દિવસની શરૂઆતમાં ભારતીય ઑલિમ્પિક્સ ટુકડીના સભ્યો ઐતિહાસિક લાલ કિલ્લા પર ૭૮મા સ્વાતંયદિનની ઉજવણીના કાર્યક્રમમાં હાજર હતા.

પૅરિસ આૅલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા ખેલાડીઓને સંબોધી રહેલા નરેન્દ્ર મોદી

ભારત ૨૦૩૬ આૅલિમ્પિક્સની યજમાનીની તૈયારી કરી રહ્યું છે : મોદી

નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતાદિવસ પર લાલ કિલ્લા પરથી પોતાના સંબોધન દરમ્યાન ત્યાં હાજર ઑલિમ્પિક્સ વિજેતાઓ અને ૨૦૩૬ની ઑલિમ્પિક ગેમ્સની યજમાનીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે દેશને સંબોધિત કરતાં કહ્યું હતું કે ‘મિત્રો, ભારતનું સપનું છે કે ૨૦૩૬માં યોજાનારી ઑલિમ્પિક્સ ભારતની ધરતી પર યોજાય. અમે એના માટે તૈયારી કરી રહ્યા છીએ અને આગળ વધી રહ્યા છીએ.’

આવતા વર્ષે ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક કમિટીના પ્રમુખની ચૂંટણી બાદ ૨૦૩૬ના ઑલિમ્પિક્સની યજમાની પર નિર્ણય થશે. એ પહેલાં આ ખેલ મહાકુંભનું ૨૦૨૮માં અમેરિકાના લૉસ ઍન્જલસમાં અને ૨૦૩૨માં ઑસ્ટ્રેલિયાના બ્રિસબેનમાં આયોજન કરવામાં આવશે. ભારતે હજી સુધી સ્પષ્ટ કર્યું નથી કે તે કયા શહેર માટે ઑલિમ્પિક્સની યજમાનીનો દાવો કરશે.

paris olympics 2024 Olympics narendra modi Indian Mens Hockey Team manu bhaker sports sports news