News In Shorts:ત્રણ જ ટાઇટલ જીતેલી બૅડોસા બની નંબર-ટૂ

27 April, 2022 01:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્પેનની ૨૪ વર્ષની ટેનિસ ખેલાડી પાઉલા બૅડોસા મહિલા ટેનિસની નવી વર્લ્ડ નંબર-ટૂ બની છે.

ત્રણ જ ટાઇટલ જીતેલી બૅડોસા બની નંબર-ટૂ

ત્રણ જ ટાઇટલ જીતેલી બૅડોસા બની નંબર-ટૂ
સ્પેનની ૨૪ વર્ષની ટેનિસ ખેલાડી પાઉલા બૅડોસા મહિલા ટેનિસની નવી વર્લ્ડ નંબર-ટૂ બની છે. તે સિંગલ્સનાં માત્ર ત્રણ ટાઇટલ જીતી છે, પરંતુ ટોચની બીજી પ્લેયરોના નબળા પર્ફોર્મન્સને લીધે બૅડોસા અમુક સ્પર્ધાઓમાં જરૂરી પૉઇન્ટ્સ જીતીને કુલ ૫૦૪૫ પૉઇન્ટ સાથે નંબર-ટૂ થઈ છે. અગાઉ સ્પેનની કૉન્ચિતા માર્ટિનેઝ, ગાર્બિન્યે મુગુરુઝા અને આરાંક્સા સાન્ચેઝ વિકારિયો પણ નંબર-ટૂ બની હતી. પોલૅન્ડની ઇગા સ્વાનટેક વર્લ્ડ નંબર-વન છે.

પેલે બ્રાઝિલની છઠ્ઠી વર્લ્ડ કપ ટ્રોફી જોવા ઇચ્છે છે
બ્રાઝિલના ૮૧ વર્ષના ફુટબૉલ-લેજન્ડ પેલે કિડનીને લગતી ગંભીર બીમારીઓ અને કૅન્સરથી પીડાય છે અને થોડા દિવસ સુધી હૉસ્પિટલમાં સારવાર લઈને રિયો ડી જાનેરોમાં પોતાના ઘરે પાછા આવ્યા છે. તેઓ ઇચ્છે છે કે બ્રાઝિલ છઠ્ઠી વાર વર્લ્ડ કપ જીતે. આ વર્ષે કતારમાં ફિફા વર્લ્ડ કપ યોજાવાનો છે. પેલેએ બ્રાઝિલને ત્રણ વર્લ્ડ કપ ટ્રોફી (૧૯૫૮, ૧૯૬૨, ૧૯૭૦) અપાવી હતી. બ્રાઝિલ છેલ્લે બે દાયકા પૂર્વે વર્લ્ડ કપ જીત્યું હતું. પેલે બ્રાઝિલના પ્રથમ સ્પોર્ટ્સ મિનિસ્ટર હતા.

ભારતનાં ભૂતપૂર્વ મહિલા હૉકી કૅપ્ટન બ્રિટ્ટોનું નિધન
૧૯૬૦ના દાયકામાં ભારતીય મહિલા હૉકીમાં વર્ચસ ધરાવનાર બ્રિટ્ટો સિસ્ટર્સમાં સૌથી મોટાં બહેન અને ભારતીય ટીમનાં ભૂતપૂર્વ કૅપ્ટન એલ્વેરા બ્રિટ્ટોનું મંગળવારે બૅન્ગલોરમાં અવસાન થયું હતું. તેઓ અને તેમની બીજી બે બહેનો એ સમયકાળમાં કર્ણાટકની ટીમમાં હતાં અને ૧૯૬૦થી ૧૯૬૭ સુધી તેમણે રાજ્યની ટીમને સાત નૅશનલ ટાઇટલ અપાવ્યા હતા. ૧૯૬૫માં એલ્વેરા બ્રિટ્ટોને અર્જુન અવૉર્ડ મળ્યો હતો અને તેઓ ભારત વતી ઑસ્ટ્રેલિયા, શ્રીલંકા અને જપાન સામેની મૅચમાં રમ્યાં હતાં.

જૉકોવિચને વિમ્બલ્ડનમાં પ્રવેશ, ફેડરરનું કમબૅક

વર્લ્ડ નંબર-વન ટેનિસ પ્લેયર નોવાક જૉકોવિચે કોવિડ-વિરોધી વૅક્સિન નથી લીધી છતાં તે આગામી જૂન મહિનામાં વિમ્બલ્ડનમાં રમી શકશે, કારણ કે બ્રિટનમાં પ્રવેશનાર વ્યક્તિ માટે હવે વૅક્સિન ફરજિયાત નથી. દરમ્યાન ૨૦ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતી ચૂકેલો રૉજર ફેડરર ઘૂંટણની સર્જરી બાદ ફરી સ્પર્ધાત્મક ટેનિસ રમવા આવી રહ્યો છે. તેણે પચીસમી ઑક્ટોબરે શરૂ થતી સ્વિસ ઇન્ડોર્સ ટુર્નામેન્ટમાં રમવા વિશેનાં પેપર્સ સાઇન કર્યાં છે.

sports news tennis news