26 July, 2024 07:05 AM IST | Paris | Gujarati Mid-day Correspondent
ફ્રાન્સની રાજધાની પૅરિસની ધડકન કહેવાતી આ સેન નદી પર યોજાશે ઐતિહાસિક ઓપનિંગ સેરેમની, પૅરિસ આૅલિમ્પિક્સના માસ્કોટે સેન મૅસ્કૉટે નદી પર માણી બોટ રાઈડ
આજે ૨૬ જુલાઈએ ઐતિહાસિક ઓપનિંગ સેરેમની સાથે પૅરિસ ઑલિમ્પિક્સ 2024ની શરૂઆત થશે. ભારતીય સમય અનુસાર રાતે ૧૧ વાગ્યાથી પૅરિસની સેન નદી પર ૬ કિલોમીટર લાંબી પરેડમાં ૯૦થી વધુ બોટ પર સવાર થઈને દુનિયાભરના ખેલાડીઓ માર્ચ કરશે જેના કારણે ૧૨૮ વર્ષથી સ્ટેડિયમમાં યોજાતી ઓપનિંગ સેરેમનીની પ્રથા તૂટશે. પહેલી વાર સ્ટેડિયમની બહાર યોજાતી ધમાકેદાર ઓપનિંગ સેરેમની માટે આખી દુનિયામાં ઉત્સાહનો માહોલ છે. સ્પોર્ટ્સ18 અને જિયો સિનેમા પર લાઇવ ટેલિકાસ્ટ દરમ્યાન ભારતીય ફૅન્સ બૅડ્મિન્ટન સ્ટાર પી.વી. સિંધુ અને ટેબલ ટેનિસ ખેલાડી શરથ કમલને પહેલી વાર ફ્લૅગબેરરની ભૂમિકામાં જોઈ શકશે.
પરેડના અંતે ઑલિમ્પિક્સની મશાલ પ્રગટાવીને ગેમ્સનું સત્તાવાર ઉદ્ઘાટન કરવામાં આવશે. આ કાર્યક્રમ ત્રણ કલાકથી વધુ ચાલવાનો છે.
કોણ બનાવશે ઓપનિંગ સેરેમનીને વધુ રોમાંચક?
Paris Olympics 2024: આ દરમ્યાન પૅરિસના ઇતિહાસ, સંસ્કૃતિ અને કલા વિશે માહિતી આપવામાં આવશે. આ તમામની જવાબદારી ફ્રેન્ચ અભિનેતા અને દિગ્દર્શક થૉમસ જૉલી સંભાળશે. સમારોહના કોરિયોગ્રાફર મૌડ લે પ્લેડેકના જણાવ્યા અનુસાર દરેક બ્રિજ પર ડાન્સર્સ હાજર રહેશે. આ માટે કૉસ્ચ્યુમ-ડિઝાઇનર ડેફની બુર્કીએ તેની ટીમ સાથે મળીને ૩૦૦૦થી વધારે ડાન્સર્સ અને કલાકારો માટે કૉસ્ચ્યુમ તૈયાર કર્યા છે. ૮૦ જાયન્ટ સ્ક્રીન અને સ્પીકરની મદદથી હજારો દર્શકો સેન નદીની બન્ને બાજુએથી આ પરેડ નિહાળી શકશે. અહેવાલો અનુસાર આ ભવ્ય સમારોહમાં ફેમસ સિંગર્સ લેડી ગાગા અને સેલિન ડિયોન પણ પર્ફોર્મ કરી શકે છે.
પરેડમાં પહેલી બોટ કયા દેશની હશે?
ઑલિમ્પિક્સ (Paris Olympics 2024)નું બર્થપ્લેસ હોવાથી ગ્રીસની ટીમ પરેડમાં સૌથી આગળ રહેશે અને યજમાન દેશ ફ્રાન્સની ટીમ સૌથી પાછળ રહેશે. યજમાન દેશની ભાષાના આલ્ફાબેટ અનુસાર પરેડનો ઑર્ડર નક્કી કરવામાં આવ્યો છે. પરેડમાં ભારત ૮૪મો દેશ હશે.
ઓપનિંગ સેરેમની પર પડશે વરસાદ?
ફ્રાન્સના હવામાન વિભાગ મેટિયો ફ્રાન્સે શુક્રવારે સવારે વરસાદની આગાહી કરી છે. બપોર પછી હવામાન ચોખ્ખું રહેશે, પરંતુ જ્યારે ઓપનિંગ સેરેમની યોજાવાની છે ત્યારે સાંજે વરસાદ પડી શકે છે.