09 August, 2024 09:50 AM IST | Paris | Gujarati Mid-day Correspondent
એક કિલોગ્રામ વજન ઓછું ઉપાડ્યું હોવાથી મેડલ ચૂકી ગઈ મીરાબાઈ ચાનુ
ટોક્યો ઑલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનારી ભારતીય વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ એક સમયે બીજો ઑલિમ્પિક મેડલ જીતવાની નજીક પહોંચી ગઈ હતી, પરંતુ છેલ્લા પ્રયાસમાં નિષ્ફળતાને કારણે બુધવારે મહિલાઓની ૪૯ કિલોગ્રામ કૅટેગરીમાં ચોથા સ્થાને રહીને મેડલ ચૂકી ગઈ હતી. ૩૦ વર્ષની મીરાબાઈએ સ્નૅચમાં ૮૮ કિલોગ્રામ અને ક્લીન ઍન્ડ જર્કમાં ૧૧૧ કિલોગ્રામ સાથે કુલ ૧૯૯ કિલોગ્રામ વજન ઉપાડ્યું હતું, તે માત્ર એક કિલોગ્રામથી મેડલ ચૂકી ગઈ હતી.
ચીનની ખેલાડી કુલ ૨૦૬ કિલોગ્રામ (સ્નૅચ ૮૯, ક્લીન ઍન્ડ જર્ક ૧૧૭) વજન ઉપાડીને ગોલ્ડ જીતી હતી. રોમાનિયાની વેઇટલિફ્ટર કુલ ૨૦૫ કિલોગ્રામ વજન સાથે સિલ્વર અને થાઇલૅન્ડની ખેલાડી ૨૦૦ કિલોગ્રામ વજન ઉપાડીને બ્રૉન્ઝ મેડલ જીતી હતી.
હિપની ઈજામાંથી સાજી થયા બાદ વાપસી કરી રહેલી મીરાબાઈએ સ્નૅચમાં પ્રથમ પ્રયાસમાં સરળતાથી ૮૫ કિલોગ્રામ વજન ઉપાડ્યું હતું અને બીજા પ્રયાસમાં ૮૮ કિલોગ્રામ વજન ઉપાડવામાં નિષ્ફળ રહી હતી, પરંતુ ત્રીજા પ્રયાસમાં તેણે ૮૮ કિલોગ્રામ વજન ઉપાડ્યું હતું. મીરાબાઈ તેના ક્લીન ઍન્ડ જર્કના પ્રથમ પ્રયાસમાં ૧૧૧ કિલોગ્રામનું વજન ઉપાડવામાં નિષ્ફળ રહી હતી, પરંતુ તે બીજા પ્રયાસમાં સફળ રહી હતી, જ્યારે ત્રીજા અને અંતિમ પ્રયાસમાં તે ૧૧૪ કિલોગ્રામ વજન ઉપાડી શકી નહોતી આથી ભારતે વધુ એક મેડલ ગુમાવ્યો. મીરાબાઈએ આ ઇવેન્ટમાં કહ્યું હતું કે ‘હું
મારા પ્રદર્શનથી ખુશ છું, કારણ કે ઈજામાંથી સાજી થયા બાદ મારી પાસે તૈયારી કરવા માટે ઘણો ઓછો સમય હતો. આજે નસીબ મારી સાથે ન હોવાથી હું મેડલ જીતી ન શકી, પણ મેં મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું.’
એક ઇન્ટરવ્યુમાં મીરાબાઈએ કહ્યું હતું કે માસિક સ્રાવનો ત્રીજો દિવસ ચાલતો હોવાથી તે નબળાઈ પણ અનુભવી રહી હતી.
ચોથા ક્રમ માટે કોઈ મેડલ હોત તો પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતના ખાતામાં ૬ વધુ મેડલ હોત
પૅરિસ ઑલિમ્પિક્સમાં છ એવી ઘટના બની છે જેમાં ભારતીય ખેલાડી ચોથા ક્રમે રહીને મેડલ ચૂકી ગયા હોય. મીરાબાઈ ચાનુ પહેલાં મનુ ભાકર ૨૫ મીટર પિસ્ટલ ઇવેન્ટમાં ચોથા ક્રમે રહી હતી. તીરંદાજીમાં ધીરજ બોમ્માદેવરા અને અંકિતા ભકતની જોડી મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં બ્રૉન્ઝ મેડલ મૅચમાં અમેરિકન જોડી સામે હારી ગઈ હતી. અર્જુન બાબુતા પુરુષોની ૧૦ મીટર ઍર રાઇફલ ઇવેન્ટમાં ચોથા ક્રમે રહ્યો હતો. શૂટર્સ મહેશ્વરી ચૌહાણ અને અનંત જીત સિંહ નારુકા સ્કીટ મિશ્રિત ટીમ ઇવેન્ટની બ્રૉન્ઝ મેડલ મૅચમાં ચીનની જોડી સામે હારી ગયા હતા. લક્ષ્ય સેન પણ બૅડ્મિન્ટન સિંગલ્સમાં બ્રૉન્ઝ મેડલ મૅચ હારીને ચોથા ક્રમે રહ્યો હતો.
ભારતની સ્પેશ્યલ મેડલિસ્ટ મીરાબાઈ ચાનુને સપોર્ટ કરવા માટે પહોંચી હતી
પૅરિસમાં મીરાબાઈ ચાનુ જ્યારે દેશની અપેક્ષાઓનો ભાર ઉઠાવી રહી હતી ત્યારે તેને સપોર્ટ કરવા માટે ભારતની એક સ્પેશ્યલ મેડલિસ્ટ ખેલાડી પહોંચી હતી. વર્ષ ૨૦૦૦માં સિડની ઑલિમ્પિક્સમાં વેઇટલિફ્ટિંગમાં બ્રૉન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચનાર કર્ણમ મલ્લેશ્વરી ભારતના રાષ્ટ્રધ્વજ સાથે મીરાબાઈ ચાનુને સપોર્ટ કરતી જોવા મળી હતી. તે ઑલિમ્પિક્સમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ઍથ્લીટ બનીને મહિલાઓ માટે પ્રેરણા બની હતી.