09 August, 2024 09:35 AM IST | Paris | Gujarati Mid-day Correspondent
વિનેશ ફોગાટ
૬ ઑગસ્ટની મધરાત્રે જ્યારે વિનેશ ફોગાટે ૫૦ કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ કુસ્તીની ફાઇનલમાં સ્થાન મેળવીને ઇતિહાસ રચ્યો હતો ત્યારે તેણે સ્ટેડિયમમાં માતા અને ફૅમિલી સાથે વિડિયો-કૉલ પર વાત કરતી વખતે કહ્યું હતું કે ગોલ્ડ લઈને આવીશ, પણ ૭ ઑગસ્ટની સવારે ૧૦૦ ગ્રામ વજનના કારણે તે ફાઇનલ રમવા અયોગ્ય જાહેર થઈ અને ૨૯ વર્ષની વિનેશ ફોગાટ સાથે આખા દેશને મોટો ઝટકો લાગ્યો. આખો દિવસ દેશભરમાં લોકોએ આ પીડાનો અનુભવ કર્યો, પણ ગઈ કાલે ૮ ઑગસ્ટની સવારે વિનેશ ફોગાટે રિટાયરમેન્ટની જાહેરાત કરીને આખા દેશને ઑલમોસ્ટ રડવા માટે મજબૂર કરી દીધા.
વિનેશ ફોગાટે ગુરુવારે સવારે ૫.૧૭ વાગ્યે સોશ્યલ મીડિયા પર ઇમોશનલ પોસ્ટ કરતાં લખ્યું હતું કે ‘મા, કુસ્તી મારાથી જીતી ગઈ, હું હારી ગઈ. માફ કરજે, તારું સપનું, મારી હિંમત, બધું તૂટી ગયું છે, મારી પાસે આનાથી વધુ તાકાત નથી હવે. અલવિદા કુસ્તી, ૨૦૦૧-૨૦૨૪. હું હંમેશાં આપ સૌની ઋણી રહીશ, માફ કરશો.’
ભારતની દીકરીના આ શબ્દો વર્ષો સુધી ભુલાવાના નથી. આ શબ્દો એ વાતની યાદ અપાવશે કે કઈ રીતે ૧૦૦ ગ્રામ વધુ વજનના કારણે વિનેશ ફોગાટ અને દેશનું ઑલિમ્પિક મેડલ જીતવાનું સ્વપ્નું તૂટી ગયું હતું. આ ટ્વીટ બાદ નેતા-અભિનેતાથી લઈને દરેક સામાન્ય માણસે ભારતીય મહિલા કુસ્તીબાજ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને તેને કુસ્તી ચાલુ રાખવાની અપીલ કરી હતી.
વિનેશ ફોગાટે બુધવારે કોર્ટ ઑફ આર્બિટ્રેશન ફૉર સ્પોર્ટ (CAS)ને ઑલિમ્પિક ફાઇનલમાંથી તેની અયોગ્યતાના નિર્ણય સામે અપીલ કરી હતી અને માગણી કરી હતી કે તેને સંયુક્ત રીતે સિલ્વર મેડલ એનાયત કરવામાં આવે. ઑલિમ્પિક્સમાં સર્જાયેલા વિવાદોના સમાધાન માટે સ્થપાયેલો આ વિભાગ CAS આજકાલમાં એનો નિર્ણય સંભળાવશે. જોકે યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગએ સ્પષ્ટ કર્યું છે કે વજન સંબંધિત વર્તમાન નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
વિનેશ ફોગાટ વિશે હરિયાણાના રાજકારણથી લઈને દેશની સંસદ સુધી હલચલ જોવા મળી હતી. હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપિન્દર સિંહ હૂડાએ વિનેશ ફોગટને રાજ્યસભામાં મોકલવાની માગણી કરી હતી. તેમના આ નિવેદન પર સવાલ ઉઠાવતાં મહાવીર ફોગાટે તેમને પૂછ્યું હતું કે તમે તમારા સમયમાં ગીતા અને બબીતા ફોગાટ માટે શું કર્યું હતું?
સેમી ફાઇનલ જીત્યા બાદ વિનેશ ફોગાટે સ્ટેડિયમમાંથી મમ્મી અને ફૅમિલીને વિડિયો-કૉલ કરીને ઉજવણી કરી હતી
વિનેશ ફોગાટની સિદ્ધિઓ
૫ ગોલ્ડ મેડલ
કૉમનવેલ્થ ગેમ્સ ૨૦૧૪
એશિયન ગેમ્સ ૨૦૧૮
કૉમનવેલ્થ ગેમ્સ ૨૦૧૮
એશિયન ચૅમ્પિયનશિપ ૨૦૨૧
કૉમનવેલ્થ ગેમ્સ ૨૦૨૨
૩ સિલ્વર મેડલ
યુથ ચૅમ્પિયનશિપ ૨૦૧૩
એશિયન ચૅમ્પિયનશિપ ૨૦૧૫
એશિયન ચૅમ્પિયનશિપ ૨૦૧૭
એશિયન ચૅમ્પિયનશિપ ૨૦૧૮
૭ બ્રૉન્ઝ મેડલ
એશિયન ચૅમ્પિયનશિપ ૨૦૧૩
એશિયન ગેમ્સ ૨૦૧૪
એશિયન ચૅમ્પિયનશિપ ૨૦૧૬
એશિયન ચૅમ્પિયનશિપ ૨૦૧૯
વર્લ્ડ ચૅમ્પિયનશિપ ૨૦૧૯
એશિયન ચૅમ્પિયનશિપ ૨૦૨૦
વર્લ્ડ ચૅમ્પિયનશિપ ૨૦૨૨
વિનેશને મેડલ વિજેતા જેવું જ સન્માન આપશે હરિયાણા સરકાર
હરિયાણા સરકાર કુસ્તીબાજ વિનેશ ફોગાટને મેડલ વિજેતા તરીકે સન્માનિત કરશે. મુખ્ય પ્રધાન નાયબ સિંહ સૈનીએ કહ્યું હતું કે ઑલિમ્પિક્સના મેડલ વિજેતાઓને રાજ્ય સરકાર જે સન્માન, પુરસ્કાર અને સુવિધાઓ આપે છે એ જ ઇનામ તેને આપવામાં આવશે, હરિયાણાની અમારી બહાદુર દીકરી વિનેશ ફોગટ આપણા બધા માટે ચૅમ્પિયન છે. હરિયાણા રાજ્યની રમતનીતિ અનુસાર ઑલિમ્પિક્સના ગોલ્ડ મેડલ વિજેતાઓને ૬ કરોડ, સિલ્વર મેડલ વિજેતાઓને ૪ કરોડ અને બ્રૉન્ઝ મેડલ વિજેતાઓને ૨.૫ કરોડ રૂપિયા આપવામાં આવે છે.
પૅરિસમાં વિનેશ ફોગાટ સાથેનો ફોટો શૅર કરીને અભિનવ બિન્દ્રાએ કહ્યું... તું એક યોદ્ધા છે, મૅટ પર અને મૅટની બહાર પણ
ભારતના પ્રથમ વ્યક્તિગત ઑલિમ્પિક ગોલ્ડ મેડલ વિનર અભિનવ બિન્દ્રાએ ગઈ કાલે કુસ્તીબાજ વિનેશ ફોગાટ સાથેની મુલાકાતનો ફોટો શૅર કરીને ઇમોશનલ પોસ્ટ કરી હતી. તેણે લખ્યું હતું કે ‘તું એક યોદ્ધા છે, મૅટ પર અને મૅટની બહાર પણ. તારા દ્વારા અમે શીખી રહ્યા છીએ કે હારમાં પણ અંદરની લડાઈમાં ક્યારેય હાર ન માનવાનો અર્થ શું છે. તું યોદ્ધાની સાચી ભાવનાની પ્રતીક છે.’
વિનેશ તું હારી નથી, તને હરાવવામાં આવી છે. તું હંમેશાં અમારા માટે વિજેતા છે. તું ભારતની દીકરી જ નથી, પરંતુ ભારતનું ગૌરવ પણ છો. - કુસ્તીબાજ બજરંગ પુનિયા
હું વિનેશને વિનંતી કરું છું કે નિવૃત્તિનો નિર્ણય દુખી હૃદયે ન લે. - ભારતીય કુસ્તી મહાસંઘના પ્રમુખ સંજય સિંહ
હું તેને વાપસી કરવા માટે મનાવીશ. - કોચ અને કાકા મહાવીર ફોગાટ