31 July, 2024 09:54 AM IST | Paris | Gujarati Mid-day Correspondent
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન-કૉલ પર સરબજોત સિંહને પાઠવી શુભેચ્છાઓ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે બ્રૉન્ઝ મેડલ જીતનાર સરબજોત સિંહ સાથે ફોન પર વાત કરીને તેને અભિનંદન આપ્યાં અને મનુ ભાકર સાથેના તેના ટીમવર્કની પ્રશંસા કરી હતી. નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘ખૂબ અભિનંદન. તમે દેશને સન્માન અપાવ્યું છે. તમારી મહેનત રંગ લાવી છે. મારા તરફથી મનુને પણ ખૂબ-ખૂબ અભિનંદન. તમે વ્યક્તિગત ઇવેન્ટ નાના અંતરથી ચૂકી ગયા છો, પરંતુ તમે એને મિક્સ્ડ ડબલ્સમાં કરી બતાવ્યું.’
જ્યારે મોદીએ સરબજોતને મનુ અને તેના ટીમવર્ક વિશે પૂછ્યું ત્યારે આ શૂટરે કહ્યું કે ‘અમે લગભગ ૨૦૧૯થી સાથે રમી રહ્યાં છીએ. અમે લગભગ દરેક વખતે નૅશનલ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યાં છીએ. અમે જુનિયર વર્લ્ડ કપ અને અન્ય વર્લ્ડ કપમાં પણ સાથે મળીને મોટા ભાગના ગોલ્ડ જીત્યાં છીએ. અમારો અનુભવ ઘણો સારો હતો. આગલી વખતે હું વધુ સારું કરીશ અને ૨૦૨૮ના ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતી બતાવીશ.’