ખેલાડીઓને માનસિક તાલીમ આપવી પડશે, તેમણે જવાબદાર બનવું જ પડશે

07 August, 2024 11:15 AM IST  |  Paris | Gujarati Mid-day Correspondent

બૅડ્‌મિન્ટનમાં એક પણ મેડલ ન મળ્યો એને પગલે મેન્ટર પ્રકાશ પાદુકોણે કહ્યું...

પ્રકાશ પાદુકોણ

પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતીય બૅડ્‌મિન્ટન ટીમના મેન્ટર બનીને ગયેલા ભૂતપૂર્વ ઑલ ઇંગ્લૅન્ડ ચૅમ્પિયન અને અભિનેત્રી દીપિકા પાદુકોણના પિતા પ્રકાશ પાદુકોણે એક પણ મેડલ ન જીતવા પર મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું, ‘હવે સમય આવી ગયો છે કે ખેલાડીઓએ દબાણનો સામનો કરવાનું શીખીને જવાબદાર બનવું પડશે. ભારતે એના ખેલાડીઓને માનસિક તાલીમ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ચીન જેવી સિસ્ટમ હોવી જોઈએ જ્યાં તેઓ એક ખેલાડી પર નિર્ભર ન હોય અને અન્ય ખેલાડીઓ વિકસાવતા રહે. ભારત સરકાર અને ફેડરેશન ભારતીય ખેલાડીઓને તમામ વ્યવસ્થા કરી આપે છે. હવે સમય આવી ગયો છે કે ખેલાડીઓ પણ સ્પોર્ટ્‌સ સાઇકોલૉજીનું મહત્ત્વ સમજે.’

બાવીસ વર્ષનો લક્ષ્ય સેન સેમી ફાઇનલમાં અને બ્રૉન્ઝ મેડલ માટેની મૅચમાં દબાણને કારણે ઇતિહાસ રચતાં ચૂકી ગયો હતો. તેના શરૂઆતના પ્રદર્શનને જોતા લાગી રહ્યું હતું કે ઑલિમ્પિક્સમાં મેડલ જીતનાર તે પહેલો ભારતીય પુરુષ બૅડ્‌મિન્ટન ખેલાડી બની જશે.

paris olympics 2024 Olympics badminton news sports sports news