Olympics News: ઑલિમ્પિક્સ વિલેજ પહોંચ્યા ભારતીય ધુરંધર્સ

21 July, 2024 08:10 AM IST  |  Paris | Gujarati Mid-day Correspondent

ઑલિમ્પિક્સના ઇતિહાસની યંગેસ્ટ ચૅમ્પિયન બની શકે છે પૅરિસ ઑલિમ્પિક્સની યંગેસ્ટ પ્લેયર ઝેન્ગ હાઓહાઓ; પૅરિસ ઑલિમ્પિક્સમાં રમવા માટે ઑસ્ટ્રેલિયન હૉકી પ્લેયરે કર્યું એકલવ્ય જેવું કામ અને વધુ સમાચાર

તસવીર સૌજન્ય : એજન્સી

૨૬ જુલાઈથી પૅરિસમાં શરૂ થનારી ઑલિમ્પિક ગેમ્સ માટે ભારતીય ખેલાડીઓ ધીરે-ધીરે ઑલિમ્પિક વિલેજ પહોંચી રહ્યા છે. ભારતીય ટીમના શેફ ડી મિશન ગગન નારંગ, શૂટર, નૌકાયાન અને હૉકી ટીમ સાથે ફ્લૅગબેરર્સ ઑલિમ્પિક વિલેજને નિહાળતા જોવા મળ્યા હતા.

પૅરિસ ઑલિમ્પિક્સના મૅસ્કોટમાં શું છે સ્પેશ્યલ?

૧૯૬૮ના ઑલિમ્પિક્સથી આ મેગા-ઇવેન્ટની ભાવનાને પ્રદર્શિત કરવા માટે મૅસ્કોટની શરૂઆત કરવામાં આવી હતી. પૅરિસ ઑલિમ્પિક્સ ૨૦૨૪માં આયોજકોએ મૅસ્કોટ તરીકે ફ્રિજિયન કૅપ્સ રાખવાનું પસંદ કર્યું છે, જેનો હેતુ ફ્રેન્ચ ક્રાન્તિની ભાવનાની ઉજવણી કરવાનો છે.

ઑલિમ્પિક્સના ઇતિહાસની યંગેસ્ટ ચૅમ્પિયન બની શકે છે પૅરિસ ઑલિમ્પિક્સની યંગેસ્ટ પ્લેયર ઝેન્ગ હાઓહાઓ

સાત વર્ષની ઉંમરથી સ્કેટબોર્ડિંગની પ્રૅક્ટિસ કરી રહેલી ચીનની ૧૧ વર્ષની ઝેન્ગ હાઓહાઓ પૅરિસ ઑલિમ્પિક્સની યંગેસ્ટ પ્લેયર બની જશે. ચીનના ઇતિહાસની આ યંગેસ્ટ ઑલિમ્પિક્સ પ્લેયર પૅરિસમાં ગોલ્ડ જીતીને ઇતિહાસ રચી શકે છે. તેની પાસે ૧૧ વર્ષની ઉંમરે ઑલિમ્પિક્સ ગોલ્ડ જીતીને ૮૬ વર્ષ જૂનો રેકૉર્ડ તોડવાનો ચાન્સ છે. ૧૯૩૮માં ૧૨ વર્ષ અને ૨૪ દિવસની ઉંમરે ડેન્માર્કના ઈંગે સોરેન્સનનોએ ૨૦૦ મીટર બ્રેસ્ટસ્ટ્રોક સ્વિમિંગમાં ગોલ્ડ જીત્યો હતો. ૨૦૨૦ના ટોક્યો ઑલિમ્પિક્સમાં સ્કેટબોર્ડિંગની રમતે ડેબ્યુ કર્યું હતું.

પૅરિસ ઑલિમ્પિક્સમાં રમવા માટે ઑસ્ટ્રેલિયન હૉકી પ્લેયરે કર્યું એકલવ્ય જેવું કામ

ઑલિમ્પિક્સમાં રમવું એ દરેક ખેલાડીનું સપનું હોય છે અને એના માટે તે કઈ પણ કરવા તૈયાર હોય છે. ઑસ્ટ્રેલિયન હૉકી પ્લેયર મૅટ ડૉસને હાલમાં પૅરિસ ઑલિમ્પિક્સમાં રમવા માટે પોતાની રિન્ગ-ફિન્ગરનો ઉપરનો ભાગ કપાવી નાખ્યો હતો. આંગળીમાં ઈજા થતાં તેને ડૉક્ટરે ઑલિમ્પિક્સમાં નહીં જઈ આરામ કરવાનો અથવા આંગળીનો એ ભાગ કપાવી નાખવાનો વિકલ્પ આપ્યો હતો જેમાંથી તેણે આંગળી કપાવવાનો નિર્ણય લઈને દુનિયાભરના ખેલાડીઓને ચોંકાવી દીધા હતા. ટોક્યો ઑલિમ્પિક્સ ૨૦૨૦માં સિલ્વર મેડલ જીતનાર મૅટ ડૉસન ત્રીજી વાર ઑલિમ્પિક્સ રમીને ગોલ્ડ મેડલ જીતવા માગે છે.

paris Olympics sports sports news