08 August, 2024 10:52 AM IST | Paris | Gujarati Mid-day Correspondent
નીરજ ચોપડા
વિનેશ ફોગાટ કુસ્તીમાં ગોલ્ડ મેડલ જીતવા મેદાન પર ન ઊતરી શકી એ પછી હવે દેશની નજર નીરજ ચોપડા પર છે. ૨૬ વર્ષનો જૅવલિન થ્રોઅર નીરજ ચોપડા આજે રાતે ૧૧.૫૫ વાગ્યાથી પુરુષોની જૅવલિન થ્રો ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીતવા માટે મેદાનમાં ઊતરશે. નીરજ ચોપડાએ ક્વૉલિફિકેશન રાઉન્ડમાં ૮૯.૩૪ મીટરના કરીઅરના બીજા બેસ્ટ થ્રો સાથે ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.
નીરજ ચોપડાને ફાઇનલમાં ગ્રેનાડાના ઍન્ડરસન પીટર્સ અને પાકિસ્તાનના અરશદ નદીમ તરફથી સખત પડકારનો સામનો કરવો પડી શકે છે જેઓ યોગ્ય સમયે ફૉર્મમાં પરત ફર્યા છે. આ સિવાય ટોક્યો ઑલિમ્પિક્સનો સિલ્વર મેડલ વિજેતા ચેક રિપબ્લિકનો જૅકબ વાલ્ડેચ પણ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપવા માટે મક્કમ છે. નીરજ ચોપડા જો ગોલ્ડ મેડલ જીતશે તો સતત બે ઑલિમ્પિક ગોલ્ડ જીતનાર પહેલો ભારતીય બની જશે.
નીરજ ચોપડાના ભાલાનું વજન કેટલું?
વર્લ્ડ ઍથ્લેટિક્સના નિયમો અનુસાર સિનિયર પુરુષોની ઇવેન્ટમાં ઉપયોગમાં લેવાતા ભાલાનું વજન ઓછામાં ઓછું ૮૦૦ ગ્રામ હોય છે, જ્યારે ૨.૬થી ૨.૭ મીટર વચ્ચેની એની લંબાઈ હોય છે. સિનિયર મહિલાઓમાં જૅવલિનનું લઘુતમ વજન ૬૦૦ ગ્રામ હોવું જરૂરી છે, જ્યારે લંબાઈ ૨.૨થી ૨.૩ મીટર વચ્ચે હોઈ શકે છે.
ગોલ્ડન બૉય માટે રિષભ પંતે આપી ધમાકેદાર આૅફર
ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર રિષભ પંતે ગઈ કાલે સવારે એક ટ્વીટમાં લખ્યું હતું કે ‘જો નીરજ ચોપડા ગોલ્ડ મેડલ જીતશે તો હું આ ટ્વીટને લાઇક કરીને સૌથી વધુ કમેન્ટ કરનાર નસીબદાર વિજેતાને ૧,૦૦,૦૮૯ રૂપિયા આપીશ. બાકીના ટૉપ-ટેન લોકોને ફ્લાઇટ ટિકિટ મળશે. ચાલો ભારત અને વિશ્વભરમાંથી મારા ભાઈને ટેકો આપીએ.’ આ ટ્વીટ પછી પંતે બીજી ટ્વીટ કરી જેમાં તેણે લખ્યું કે હું સંપૂર્ણ રીતે સંમત છું કે પરિણામ ગમે એ હોય, આપણા ઍથ્લીટ્સનું સમર્થન કરવું મહત્ત્વપૂર્ણ છે.