02 August, 2024 08:20 AM IST | Paris | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
પૅરિસ ઑલિમ્પિક્સમાં મહારાષ્ટ્રના કોલ્હાપુરના વતની સ્વપ્નિલ કુસાળેએ શૂટિંગની ૫૦ મીટરની રાઇફલ થ્રી પોઝિશન્સ સ્પર્ધામાં ભારતને બ્રૉન્ઝ મેડલ અપાવ્યો છે ત્યારે સેન્ટ્રલ રેલવેએ તેને ઑફિસરની જૉબ ઑફર કરી છે. ૭૨ વર્ષ બાદ મહારાષ્ટ્રના ખેલાડીએ ઑલિમ્પિક્સમાં મેડલ મેળવ્યો છે. સ્વપ્નિલ અત્યારે સેન્ટ્રલ રેલવેના પુણે ડિવિઝનમાં ટિકિટ કલેક્ટર (TC) છે. સેન્ટ્રલ રેલવેના જનરલ મૅનેજર રામ કરણ યાદવે ગઈ કાલે કહ્યું હતું કે ‘અમારા સ્ટાફ સ્વપ્નિલ કુસાળેએ ઑલિમ્પિક્સમાં મેડલ મેળવ્યો છે એ અમારા માટે ગર્વની વાત છે. રેલવે દ્વારા તેનું યથાયોગ્ય સન્માન કરવાની સાથે તાત્કાલિક ધોરણે પ્રમોશન કરવામાં આવશે. આથી સ્વપ્નિલ હવે રેલવેમાં ઑફિસર તરીકે કામ કરશે. આ સિવાય રેલવેપ્રધાન દ્વારા તેના માટે અલગથી ઇનામ જાહેર કરવામાં આવશે.’
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘સ્વપ્નિલ કુસાળેએ મહારાષ્ટ્રની સાથે ભારતનું નામ રોશન કર્યું છે. કોલ્હાપુર જિલ્લામાં નિશાનબાજીની એક મોટી પરંપરા છે. આ પરંપરા સ્વપ્નિલે કાયમ રાખી છે. અહીંના કાંબળવાડી જેવા ગ્રામીણ વિસ્તારમાં રહીને પણ સ્વપ્નિલે આ પરાક્રમ કર્યું છે. તેની આ સફળતામાં પરિવાર, પ્રશિક્ષક અને માર્ગદર્શકોનું પણ મહત્ત્વનું યોગદાન છે એટલે રાજ્યની જનતા વતી સૌને અભિનંદન. સ્વપ્નિલના ભવિષ્ય માટે જરૂરી તમામ સહયોગ કરવામાં આવશે.’