06 August, 2024 12:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લક્ષ્ય સેન
ગઈ કાલે બ્રૉન્ઝ મેડલ મૅચમાં લક્ષ્ય સેનની હાર થતાં પૅરિસ ઑલિમ્પિક્સમાં એક પણ મેડલ જીત્યા વગર ભારતીય બૅડ્મિન્ટન અભિયાન સમાપ્ત થયું હતું. લક્ષ્ય સેન મલેશિયાના ખેલાડી સામે પહેલી ગેમ જીત્યા બાદ સતત બે ગેમ હારી ગયો હતો. લક્ષ્ય સેનને સેમી ફાઇનલમાં હરાવનાર ડેન્માર્કનો વિક્ટર એક્સેલસેન ફાઇનલમાં થાઇલૅન્ડના ખેલાડીને હરાવીને ગોલ્ડ જીત્યો હતો. તેની આ પહેલી ઑલિમ્પિક્સમાં લક્ષ્ય સેન ચોથા ક્રમે રહ્યો હતો.
આ પહેલાં મનુ ભાકર ૨૫ મીટર પિસ્ટલ ઇવેન્ટમાં ચોથા ક્રમે રહી હતી. તીરંદાજીમાં ધીરજ બોમ્માદેવરા અને અંકિતા ભકતની જોડી મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં બ્રૉન્ઝ મેડલ મૅચમાં અમેરિકન જોડી સામે હારી ગઈ હતી. અર્જુન બાબુતા પુરુષોની ૧૦ મીટર ઍર રાઇફલ ઇવેન્ટમાં ચોથા ક્રમે રહ્યો હતો, જ્યારે શૂટર્સ મહેશ્વરી ચૌહાણ અને અનંત જીત સિંહ નારુકા સ્કીટ મિશ્રિત ટીમ ઇવેન્ટની બ્રૉન્ઝ મેડલ મૅચમાં ચીનની જોડી સામે હારી ગયા હતા. આ રીતે પૅરિસમાં હમણાં સુધી ભારત ચોથા ક્રમે રહીને પાંચમી વાર મેડલ ચૂકી ગયું હતું.