પૅરાલિમ્પિક્સમાં પહેલી વાર રમીને બ્રૉન્ઝ જીતનાર નિથ્યા શ્રીને બનવું હતું ક્રિકેટર

04 September, 2024 07:40 AM IST  |  Paris | Gujarati Mid-day Correspondent

રાજ્ય સ્તરના પૅરા-બૅડ‍્મિન્ટન ખેલાડીની મદદથી તેણે બૅડ‍્મિન્ટનમાં કરીઅર આગળ વધારી હતી

નિથ્યા શ્રી

૧૯ વર્ષની નિથ્યા શ્રી સિવન પૅરિસ પૅરાલિમ્પિક્સ 2024માં મહિલા સિંગલ્સ બૅડ‍્મિન્ટનની SH6 કૅટેગરીમાં બ્રૉન્ઝ મેડલ જીતી છે. તેણે બ્રૉન્ઝ મેડલ મૅચમાં શાનદાર પ્રદર્શન કરીને ઇન્ડોનેશિયાની રીના માર્લિનાને લગભગ ૨૩ મિનિટમાં જ હરાવી દીધી હતી. નિથ્યા શ્રી સેમી ફાઇનલમાં ચીનની ખેલાડી સામે હારીને બ્રૉન્ઝ મેડલ મૅચ રમવા ઊતરી હતી. તામિલનાડુમાં જન્મેલી નિથ્યા શ્રી SH6 કૅટેગરીમાં રમે છે જેમાં ટૂંકા કદ ધરાવતા ખેલાડીઓ વચ્ચે બરાબરીનો જંગ જામે છે. આ પહેલાં પૅરાલિમ્પિક્સમાં ડેબ્યુ કરનાર આ મહિલા ખેલાડી શિવરાજન સોલાઇમલાઇ સાથે મિક્સ્ડ ડબલ્સમાં બ્રૉન્ઝ મેડલ મૅચ હારી ગઈ હતી.

નિથ્યા શ્રીને ઘરમાંથી રમતગમતમાં કરીઅર બનાવવાની પ્રેરણા મળી હતી. તેના મધ્યમવર્ગીય પરિવારમાં તેનો ભાઈ જિલ્લા સ્તર પર ક્રિકેટ રમતો હતો જેનાથી તેને ક્રિકેટર બનવાની ઇચ્છા થઈ હતી, પણ ૨૦૧૬માં રિયો પૅરાલિમ્પિક્સ બાદ બૅડ‍્મિન્ટન રમવાનું શરૂ કર્યું હતું. ભૂતપૂર્વ નંબર વન ચાઇનાના બૅડ‍્મિન્ટન સ્ટાર લિન ડૅન પાસેથી તેણે બૅડ‍્મિન્ટનની પ્રેરણા લીધી હતી. પિતાના સાથીદાર એવા રાજ્ય સ્તરના પૅરા-બૅડ‍્મિન્ટન ખેલાડીની મદદથી તેણે બૅડ‍્મિન્ટનમાં કરીઅર આગળ વધારી હતી.

sports news sports badminton news paris paralympics 2024