09 September, 2024 07:36 AM IST | Paris | Gujarati Mid-day Correspondent
નવદીપ સિંહ
ભારતના નવદીપ સિંહે પૅરિસ પૅરાલિમ્પિક્સમાં પુરુષોની જૅવલિન થ્રો F41 કૅટેગરીમાં ૪૭.૩૨ મીટરના વ્યક્તિગત શ્રેષ્ઠ થ્રો સાથે ગોલ્ડ જીત્યો હતો, જે આ કૅટેગરીમાં ભારતનો પ્રથમ મેડલ પણ હતો. F41 સ્પોર્ટ્સ કૅટેગરીમાં ટૂંકી હાઇટ ધરાવતા રમતવીરો સ્પર્ધા કરે છે. નવદીપ ટોક્યો ૨૦૨૦ પૅરાલિમ્પિક્સમાં ચોથા સ્થાને રહ્યો અને પોડિયમ ચૂકી ગયો હતો.
ફાઇનલ સમાપ્ત થાય એ પહેલાં ઈરાનના ખેલાડીએ ૪૭.૬૪ મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ પર કબજો કરી લીધો હતો અને નવદીપ સિંહ સિલ્વર મેડલ માટે મુખ્ય દાવેદાર બન્યો હતો, પણ ફાઇનલ દરમ્યાન વારંવાર આતંકી સંગઠનનો વિવાદિત ધ્વજ લહેરાવવાને કારણે ઈરાનના ખેલાડીને ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો. તેણે પોતાના આ કૃત્યને કારણે ગોલ્ડ મેડલ ગુમાવ્યો હતો. નિયમો અનુસાર કોઈ પણ રાજકીય સંદેશ આપતા ધ્વજ ફરકાવવા અને અયોગ્ય વર્તન કરવા બદલ ખેલાડીને રમતમાંથી બાકાત રાખવામાં આવી શકે છે.
નવદીપનો જન્મ વર્ષ ૨૦૦૦માં સમય પહેલાં જ થયો હતો. જ્યારે તે બે વર્ષનો થયો ત્યારે તેનાં માતા-પિતાને ખ્યાલ આવ્યો કે તેમના દીકરાની હાઇટ ઓછી જ રહેશે. તેના પિતા દલબીર સિંહ રાષ્ટ્રીય સ્તરના કુસ્તીબાજ હતા અને તેમના પુત્રને રમતગમતને આગળ વધારવા માટે સંપૂર્ણ ટેકો આપ્યો હતો. દસ વર્ષની ઉંમરે તેણે તેની ઍથ્લેટિક સફર શરૂ કરી હતી. નીરજ ચોપડાથી પ્રેરિત થઈને ભાલાફેંકમાં ઓળખ મેળવતાં પહેલાં તેણે કુસ્તી અને દોડમાં હાથ અજમાવ્યો હતો.
આવકવેરા વિભાગમાં નિરીક્ષકની નોકરી કરતા ૨૩ વર્ષના નવદીપે ૨૦૧૭ બાદ રાષ્ટ્રીય સ્તરે પાંચ વખત મેડલ જીત્યા છે. તેણે આ વર્ષની શરૂઆતમાં પૅરા-વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. ચાર ફુટ ચાર ઇંચના નવદીપ સિંહના પિતાનું ચાર મહિના પહેલાં બીમારીને કારણે નિધન થયું હતું. તેની માતા અને ભાઈએ તેને પૅરાલિમ્પિક્સમાં રમવા માટે હિંમત આપી હતી.