પૅરિસમાં ઐતિહાસિક પ્રદર્શન કરનાર દિવ્યાંગ ખેલાડીઓ પર ધનવર્ષા

11 September, 2024 07:59 AM IST  |  Paris | Gujarati Mid-day Correspondent

ગોલ્ડ જીતનારને ૭૫ લાખ, સિલ્વર જીતનારને ૫૦ લાખ અને બ્રૉન્ઝ જીતનારને ૩૦ લાખ રૂપિયા મળશે

ભારતના દિવ્યાંગ ખેલાડી

પૅરિસ પૅરાલિમ્પિક્સની ક્લોઝિંગ સેરેમનીમાં ભાગ લઈને ભારતના દિવ્યાંગ ખેલાડીઓની અંતિમ ટુકડી અધિકારીઓ સાથે ગઈ કાલે સ્વદેશ પાછી ફરી હતી. દિલ્હી ઍરપોર્ટ પર ફૅન્સ અને પરિવારના સભ્યોએ તેમનું ફૂલો, માળા અને મીઠાઈઓ સાથે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ ખેલાડીઓ માટે એક સન્માન કાર્યક્રમનું આયોજન કરીને સ્પોર્ટ્સ મિનિસ્ટર મનસુખ માંડવિયાએ રોકડ પુરસ્કારોની જાહેરાત કરી હતી જે અનુસાર ગોલ્ડ મેડલ વિજેતાઓને ૭૫ લાખ, સિલ્વર મેડલ વિજેતાઓને ૫૦ લાખ અને બ્રૉન્ઝ મેડલ વિજેતાઓને ૩૦ લાખ રૂપિયા આપવામાં આવશે. 
તીરંદાજ શીતલ દેવી અને રાકેશ કુમાર મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં મેડલ જીત્યાં હોવાથી તેમને ૨૨.૫ લાખ રૂપિયા મળશે. સ્પોર્ટ‍્સ મિનિસ્ટર મનસુખ માંડવિયાએ ૨૦૨૮ની લૉસ ઍન્જલસ પૅરાલિમ્પિક્સમાં વધુ મેડલ જીતવા માટે પૅરા ઍથ્લીટ્સને સંપૂર્ણ સમર્થન અને સુવિધાઓ પ્રદાન કરવાનું વચન આપ્યું હતું.

પૅરિસમાં હરિયાણાના સૌથી વધુ ૨૩ દિવ્યાંગ ખેલાડી રમ્યા અને સૌથી વધુ સાત મેડલ જીત્યા

પૅરિસમાં ભારતના દિવ્યાંગ ખેલાડીઓના શાનદાર પ્રદર્શનના કારણે પૅરાલિમ્પિક્સની કુલ ૧૨ સીઝનમાં ભારતે જીતેલા મેડલની સંખ્યા ૬૦ થઈ ગઈ છે. ૧૯૬૮થી ૨૦૨૦ દરમ્યાન ભારતે ૩૧ મેડલ જીત્યા હતા, જ્યારે એકલા ૨૦૨૪માં ૨૯ મેડલ જીતીને બતાવ્યા. પૅરાલિમ્પિક્સમાં ભારતના દિવ્યાંગ ખેલાડીઓએ ૧૯૬૮થી ૨૦૨૪ દરમ્યાન ૧૬ ગોલ્ડ, ૨૧ સિલ્વર અને ૨૩ બ્રૉન્ઝ મેડલ જીત્યા છે.

સૌથી મોટી ૮૪ દિવ્યાંગ ખેલાડીઓની ટીમ મોકલીને ભારતે પહેલી વાર પૅરાલિમ્પિક્સમાં ટૉપ-20માં સ્થાન મેળવ્યું છે. ૭ ગોલ્ડ, ૯ સિલ્વર અને ૧૩ બ્રૉન્ઝ સહિત કુલ ૨૯ મેડલ સાથે ભારત મેડલટૅલીમાં ૧૮મા ક્રમે હતું. આ પહેલાં ભારતનો શ્રેષ્ઠ રૅન્ક ટોક્યો ૨૦૨૦માં ૧૯ મેડલ સાથે ૨૪મો હતો. પૅરિસમાં સૌથી વધુ હરિયાણામાં જન્મેલા ૨૩ ખેલાડી રમ્યા જેમાંથી સૌથી વધુ સાત મેડલ પણ આ જ રાજ્યના ખેલાડીઓએ અપાવ્યા. ઉત્તર પ્રદેશ પાંચ મેડલ સાથે બીજા સ્થાને રહ્યું હતું. યા રાજ્યના દિવ્યાંગ ખેલાડીઓએ અપાવ્યા સૌથી વધુ મેડલ? 
હરિયાણા - ૦૭
ઉત્તર પ્રદેશ - ૦૫
રાજસ્થાન - ૦૪ 
તામિલનાડુ - ૦૪
મધ્ય પ્રદેશ - ૦૨
નાગાલૅન્ડ - ૦૧ 
મહારાષ્ટ્ર - ૦૧
બિહાર - ૦૧ 
તેલંગણ - ૦૧ 
જમ્મુ-કાશ્મીર - ૦૧ 
કર્ણાટક - ૦૧
હિમાચલ પ્રદેશ - ૦૧

પૅરિસ પૅરાલિમ્પિક્સમાં કયા રાજ્યમાંથી કેટલા દિવ્યાંગ ખેલાડી રમ્યા?
હરિયાણા - ૨૩
રાજસ્થાન - ૦૯
મહારાષ્ટ્ર - ૦૮
તામિલનાડુ - ૦૬
ઉત્તર પ્રદેશ - ૦૬ 
ગુજરાત - ૦૪
મધ્ય પ્રદેશ - ૦૪
પંજાબ - ૦૩
ઉત્તરાખંડ - ૦૩
જમ્મુ-કશ્મીર - ૦૩
કર્ણાટક - ૦૩
આંધ્ર પ્રદેશ - ૦૩ 
બિહાર - ૦૨
દિલ્હી - ૦૧
હિમાચલ પ્રદેશ - ૦૧
તેલંગણ - ૦૧
કેરલા - ૦૧
પશ્ચિમ બંગાળ - ૦૧
મેઘાલય - ૦૧
નાગાલૅન્ડ - ૦૧ 
કુલ ખેલાડી - ૮૪

sports news sports paris paralympics 2024 haryana