સિંધુ અને લક્ષ્ય સેન પહોંચ્યાં કૅનેડા ઓપન સ્પર્ધાની સેમી ફાઇનલમાં

09 July, 2023 05:35 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

બૅડ‍્મિન્ટન ખેલાડી પી. વી. સિંધુ અને લક્ષ્ય સેને ​મહિલા અને પુરુષોની ​સિંગલ્સ ક્વૉર્ટર ફાઇનલમાં વિજય નોંધાવીને કૅનેડા ઓપન સુપર ૫૦૦ ઇવેન્ટની સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

બૅડ‍્મિન્ટન ખેલાડી પી. વી. સિંધુ અને લક્ષ્ય સેન

બૅડ‍્મિન્ટન ખેલાડી પી. વી. સિંધુ અને લક્ષ્ય સેને ​મહિલા અને પુરુષોની ​સિંગલ્સ ક્વૉર્ટર ફાઇનલમાં વિજય નોંધાવીને કૅનેડા ઓપન સુપર ૫૦૦ ઇવેન્ટની સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. બે વખત ઑલિમ્પિક મેડલ વિજેતા અને ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન સિંધુએ ચીનની વર્લ્ડ નંબર ૪૫ ગાઓ ફેંગ જીને ૨૧-૧૩, ૨૧-૭થી હરાવીને આ વર્ષની ત્રીજી સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. એપ્રિલમાં તેણે સ્પેન માસ્ટર્સ સુપર ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ જીતી શકી નહોતી. સિંધુની ટક્કર વર્તમાન વર્લ્ડ ચૅમ્પિયન જપાનની અકાને યામાગુચી સામે થશે. સિંધુ અને યામાગુચી વચ્ચે થયેલી ટક્કરમાં સિંધુનો ૧૪ વખત વિજય, તો ૧૦ વખત પરાજય થયો છે. જોકે સિંધુ ગયા મહિને સિંગાપોર ઓપનમાં યામાગુચી સામે હારી ગઈ હતી. બીજી તરફ લક્ષ્ય સેને બેલ્જિયમના જુલિયન કેરાગી સામે ૨૧-૮, ૧૭-૨૧, ૨૧-૧૦થી વિજય મેળવીને આ વર્ષની બીજી સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તેની ટક્કર કૉમનવેલ્થ ગેમ્સ ચૅમ્પિયન જપાનના કેન્ટા નિશિમોટા સામે થશે. બન્ને અગાઉ એકબીજા સામે એક-એક મૅચ જીત્યા છે. ૨૧ વર્ષનો લક્ષ્ય સેન આ વર્ષે ૨૧ ટુર્નામેન્ટ્સ રમ્યો છે, પરંતુ એક પણ ફાઇનલમાં પહોંચ્યો નથી.

badminton news pv sindhu p.v. sindhu sports news sports canada