૧૧૭ ખેલાડીઓ સાથે ૧૪૦ જણનો સપોર્ટ-સ્ટાફ સરકારી ખર્ચે પૅરિસ જશે

18 July, 2024 09:35 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કારણ આપ્યા વગર શૉટપુટર આભા ખટુઆનું નામ લિસ્ટમાંથી હટાવી દેવાયું

આભા ખટુઆ

ઇન્ડિયન ઑલિમ્પિક્સ અસોસિએશન (IOA)એ પૅરિસ ઑલિમ્પિક્સ માટે ખેલાડીઓની ફાઇનલ યાદી જાહેર કરી છે જેમાં કુલ ૧૧૭ ખેલાડીઓ ઉપરાંત ૧૪૦ લોકોના સપોર્ટ-સ્ટાફને પણ તેમની સાથે જવાની મંજૂરી મળી ગઈ છે. આમાં રમતગમતના અધિકારીઓ પણ સામેલ છે. ૧૪૦માંથી ૭૨ સપોર્ટ-સ્ટાફ ઍથ્લીટ્સની મદદ માટે સરકારી ખર્ચે પૅરિસ જશે. આમાં વ્યક્તિગત કોચ, માનસિક ટ્રેઇનર અને ફિઝિયોથેરપિસ્ટનો પણ સમાવેશ થાય છે.

IOA ટીમની સાથે પ્રખ્યાત સ્પોર્ટ‍્સ મેડિસિન નિષ્ણાત ડૉ. દિનશૉ પારડીવાલાના નેતૃત્વમાં ખાસ રચાયેલી ૧૩ સભ્યોની સ્પોર્ટ‍્સ સાયન્સ ટીમને પણ મોકલી રહ્યું છે. પૅરિસ ઑલિમ્પિક્સ માટે કુલ ૧૧૮ ખેલાડીઓ ક્વૉલિફાય થયા હતા, પરંતુ રમત મંત્રાલયની નવી યાદીમાંથી શૉટપુટર આભા ખટુઆનું નામ ગાયબ છે. હાલમાં સ્પોર્ટ‍્સ મિનિસ્ટ્રીએ આભા ખટુઆનું નામ હટાવવા પાછળ કોઈ કારણ આપ્યું નથી. ઈજા, ડોપિંગ ઉલ્લંઘન કે અન્ય કોઈ ટેક્નિકલ સમસ્યાને કારણે તેનું નામ હટાવવામાં આવ્યું છે કે કેમ એ વિશે હજી સુધી કોઈ માહિતી નથી.

રમતગમત મંત્રાલયે IOAને લખેલા પત્રમાં જણાવ્યું છે કે ઑલિમ્પિક ગેમ્સ ૨૦૨૪ની ઑર્ગેનાઇઝિંગ કમિટીની ગાઇડલાઇન મુજબ સ્પોર્ટ‍્સ વિલેજમાં સપોર્ટ-સ્ટાફના માત્ર ૬૭ સભ્યો જ રહી શકે છે જેમાં IOAના ૧૧ અધિકારીઓ પણ સામેલ છે. અધિકારીઓમાં પાંચ સભ્યો મેડિકલ ટીમના હશે. સ્પોર્ટ‍્સ વિલેજની બહાર આજુબાજુના વિસ્તારની હોટેલોમાં અન્ય કોચ-અધિકારીઓ માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. લંડન ઑલિમ્પિક્સના બ્રૉન્ઝ મેડલ વિજેતા ભૂતપૂર્વ શૂટર ગગન નારંગને શેફ ડી મિશન એટલે કે ટીમના વડા બનાવવામાં આવ્યા છે.

૧૬ ગેમ્સમાં ૧૧૭ ભારતીય ખેલાડી લેશે ભાગ

ઍથ્લેટિક્સ  ૨૯

શૂટિંગ ૨૧

હૉકી  ૧૯

ટેબલ ટેનિસ      ૦૮

બૅડ‍્મિન્ટન  ૦૭

કુસ્તી / તીરંદાજી / બૉક્સિંગ ૦૬

ગૉલ્ફ ૦૪

ટેનિસ ૦૩

સ્વિમિંગ / સેઇલિંગ     ૦૨

ઘોડેસવારી / જુડો / રોઇંગ / વેઇટલિફ્ટિંગ     ૦૧

Olympics paris india sports sports news