28 August, 2024 01:06 PM IST | Haryana | Gujarati Mid-day Correspondent
બબીતા ફોગાટે પણ મનુ ભાકરના સન્માન સમારોહમાં હાજરી આપી હતી
પૅરિસ ઑલિમ્પિક્સમાં દેશ માટે બે બ્રૉન્ઝ મેડલ જીતનાર શૂટર મનુ ભાકરનું હરિયાણાના ચરખી દાદરી ગામમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પૉલિટિક્સમાં આવવા વિશેનો સવાલ પુછાતાં તેણે હજારો ફૅન્સનાં દિલ જીતી લે એવો જવાબ આપ્યો હતો. બાવીસ વર્ષની મનુએ કહ્યું હતું કે ‘મારું ધ્યાન માત્ર દેશ માટે ગોલ્ડ મેડલ જીતવા પર છે, રાજકારણમાં નહીં આવું. જેટલું સન્માન મળી રહ્યું છે એનાથી ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતવાનો ઉત્સાહ વધી રહ્યો છે.’
મનુએ યુવાનો અને તેમનાં માતા-પિતાને અભ્યાસની સાથે રમતગમત પર પણ ધ્યાન આપવા જણાવ્યું હતું. તેણે કહ્યું કે ‘દેશ માટે મેડલ જીતવાનું લક્ષ્ય રાખો, સફળતા ચોક્કસ મળશે.’
વિનેશ વિશે શું કહ્યું મનુ ભાકરે?
ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટના વજન મુદ્દે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં મનુએ કહ્યું, ‘વિનેશની ભાવના ફાઇટર જેવી છે. આ કેસમાંથી બોધપાઠ લેવો જોઈએ. વિનેશ ફોગાટ સાથે જે થયું એ દુર્ભાગ્યપૂર્ણ છે. વિનેશે આગળ વધીને મેડલ જીતવા માટે ફરીથી મેદાનમાં ઊતરવું જોઈએ.’
રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (WFI)ના પ્રમુખ સંજય સિંહે હાલમાં કહ્યું હતું કે ‘વિનેશ ફોગાટે તેના નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ, તમારે ઔપચારિક રીતે કુસ્તી રમવી જોઈએ.’