ઈજામાંથી બહાર આવતાં નીરજ ચોપડાએ કરી ધમાકેદાર વાપસી

02 July, 2023 03:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડાયમન્ડ લીગમાં સતત બીજી વખત જીત્યો ગોલ્ડ, ભાલાફેંકમાં ઑલિમ્પિક ચૅમ્પિયન ૯૦ મીટરના માર્કથી હજી દૂર, વડા પ્રધાને આપ્યાં અભિનંદન

નીરજ ચોપડા

ઑલિમ્પિક ચૅમ્પિયન નીરજ ચોપડા શુક્રવારે ૮૭.૬૬ મીટર ભાલો ફેંકીને સતત બીજી વખત ડાયમન્ડ લીગ ટાઇટલ જીત્યો હતો. જોકે તે ૯૦ મીટરના માર્કથી દૂર રહ્યો હતો. એક મહિનાની ઈજામાંથી બહાર આવ્યા બાદ તેણે સ્વિટ્ઝરલૅન્ડ લુસાનેમાં આયોજિત આ પ્રતિષ્ઠિત સ્પર્ધા જીતી હતી. ૨૫ વર્ષના નીરજ ચોપડાએ ગયા મહિને ઈજાને કારણે ત્રણ ઇવેન્ટ છોડી હતી. નીરજ સામાન્ય રીતે શરૂઆતના રાઉન્ડમાં જ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે, પરંતુ આ વખતે તેણે પાંચમા પ્રયાસ સુધી રાહ જોવી પડી હતી. ચોથા રાઉન્ડના અંત સુધી તે બીજા સ્થાને હતો.

જીત બાદ નીરજ ચોપડાએ કહ્યું હતું કે ‘ઈજામાંથી બહાર આવવાથી હું થોડો નર્વસ હતો. અહીં થોડી ઠંડી હતી. હજી પણ હું મારા શ્રેષ્ઠ દેખાવથી દૂર છું.’ ચૅમ્પિયન ઍથ્લીટને સિદ્ધિ બદલ અભિનંદન આપનારાઓમાં સૌપ્રથમ વડા પ્રધાન હતા. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે ‘ડાયમન્ડ લીગમાં ચમકવા બદલ નીરજને અભિનંદન. અસાધારણ પ્રદર્શનને કારણે તેઓ ટેબલમાં ટોચ પર આવી ગયા હતા.’ ચોપરાએ ફાઉલ સાથે શરૂઆત કરી હતી. ત્યાર બાદ ૮૩.૨ મીટર, ૮૫.૦૪ મીટર અને ત્યાર બાદ ૮૭.૬૬ મીટર થ્રો કર્યો હતો. ચોથા રાઉન્ડમાં બીજો ફાઉલ થયો હતો. તેનો છઠ્ઠો અને છેલ્લો થ્રો ૮૪.૧૫ હતો. જર્મનીના જુલિયન વેબર ૮૭.૦૩ મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે બીજા ક્રમે રહ્યો હતો. ટોક્યો ઑ​લિમ્પિક્સના સિલ્વર મેડલ વિજેતા અને સીઝન લીડર ચેક રિપબ્લિકના જેકબ ૮૬.૧૩ મીટર સાથે ત્રીજા ક્રમાંકે રહ્યો હતો.

ડાયમન્ડ લીગના પુરુષોના લૉન્ગ ઝમ્પમાં ભારતનો મુરલી શંકર ત્રીજા રાઉન્ડમાં ૭.૮૮ મીટર સાથે પાંચમા ક્રમાંકે આવ્યો હતો. ૨૪ વર્ષના મુરલી શંકરે ૯ જૂને પૅરિસ લીગમાં એના પ્રથમ ડાયમન્ડ લીગ પોડિયમ ફિનિશિંગમાં ત્રીજો ક્રમાંક મેળવ્યો હતો. ભુવનેશ્વરમાં નૅશનલ ઇન્ટર-સ્ટેટ ચૅમ્પિયનશિપ દરમ્યાન કારકિર્દીનો શ્રેષ્ઠ ૮.૪૧ મીટર કૂદકો માર્યો હતો. 

નેક્સ્ટ ટાર્ગેટ વર્લ્ડ ચૅમ્પિયનશિપ
ડાયમન્ડ લીગમાં સતત બીજો ગોલ્ડ જીતનાર નીરજ ચોપડાએ કહ્યું હતું કે ‘હવે બીજી કોઈ ટુર્નામેન્ટમાં ભાગ લીધા વગર તે સીધો ૧૯ ઑગસ્ટથી બુડાપેસ્ટમાં શરૂ થનાર વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં ભાગ લેશે. આ સ્પર્ધા જીતતાં હું ખુશ છું, પરંતુ પાછો ટ્રેઇનિંગમાં જઈશ તેમ જ મને કનડતી અમુક તકલીફોને દૂર કરવાનો પ્રયત્ન કરીશ, જેથી જાતને વધુ મજબૂત કરી શકું.’ ગયા વર્ષે અમેરિકાના યુજેનમાં યોજાયેલી આ સ્પર્ધામાં તેણે સિલ્વર મેડલ જીત્યો હતો.

neeraj chopra sports sports news