News In Shorts : ભારત-ઇંગ્લૅન્ડની વૉર્મ-અપ મૅચ વરસાદે ધોઈ નાખી

01 October, 2023 04:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગુવાહાટીમાં રમાનારી ભારત અને ઇંગ્લૅન્ડની પ્રૅક્ટિસ મૅચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

ગુવાહાટીમાં રમાનારી ભારત અને ઇંગ્લૅન્ડની પ્રૅક્ટિસ મૅચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. ગઈ કાલે વન-ડે વર્લ્ડ કપ પહેલાની પ્રેક્ટિસ મૅચ શરૂ થાય એ પહેલાં જ વરસાદ શરૂ થયો હતો. પરિણામે ટૉસમાં પણ વિલંબ થયો હતો. સાંજે અમ્પાયરોએ ખરાબ હવામાનને કારણે મૅચને રદ જાહેર કરી હતી. વર્લ્ડ કપ પહેલાં બન્ને ટીમ બે-બે વૉમ-અપ મૅચ રમશે. 

ઈજા થઈ હોવા છતાં શાનદાર પ્રદર્શન માટે તૈયાર નીરજ ચોપડા

ભાલાફેંકનો ખેલાડી નીરજ ચોપડા થોડા સમયથી જાંઘમાં થયેલા ખેંચાણને કારણે પરેશાન છે. પોતાને થયેલી ઈજાને ગણકાર્યા વિના તે પોતાનું એશિયન ગેમ્સનું ટાઇટલ બચાવવા માટે બનતા તમામ પ્રયત્ન કરશે. ઈજા સાથે જ તે બુડાપેસ્ટમાં યોજાયેલી વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં રમ્યો હતો અને સપ્ટેમ્બરમાં યોજાયેલી ડાયમન્ડ લીગની ફાઇનલ્સમાં બીજા ક્રમાંકે આવ્યો હતો. નીરજે કહ્યું કે ‘આવી બધી ઈજા તો થયા કરે. મેં ઈજાને ધ્યમાં રાખવાને બદલે મારા પ્રદર્શન પર ધ્યાન આપવાની શરૂઆત કરી છે’

સુતીર્થા મુખરજી અને અહિકા મુખરજીએ ગઈ કાલે વિમેન્સ ડબલ્સ ટેબલ ટેનિસમાં વર્લ્ડ ચૅમ્પિયન જોડી ચેન મેન્ગ અને વાન્ગ યિદીને હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પહેલી વખત એશિયન ગેમ્સની વિમેન્સ ડબલ્સમાં ટેબલ ટેનિસમાં ભારતને મેડલ મળશે. ક્વૉર્ટર ફાઇનલમાં સુતીર્થા અને અહિકાએ ચીનની જોડીને ૧૧-૫, ૧૧-૫, ૫-૧૧, ૧૧-૯થી હરાવી હતી. હાલમાં વિશ્વમાં બીજા નંબરે રહેલી આ જોડીને હરાવવા કરતાં સૌથી વધુ મહત્ત્વનું છે કે ભારતીય મહિલાઓ પહેલી વખત એશિયન ગેમ્સની ડબલ્સની સ્પર્ધામાં મેડલ જીતશે. કૉમનવેલ્થમાં ગોલ્ડ મેડલ જીતનાર મનિકા બત્રા ક્વૉર્ટર ફાઇનલમાં હારીને સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ છે.

sports news sports