16 September, 2022 02:06 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
વિનેશ ફોગાટ
૨૮ વર્ષની વિનેશ ફોગાટ વર્લ્ડ ચૅમ્પિયનશિપ્સમાં બે મેડલ જીતનારી ભારતની પહેલી મહિલા કુસ્તીબાજ બની છે. તે બુધવારે કઝાખસ્તાનમાં ૫૩ કિલો વર્ગમાં સ્વીડનની એમ્મા યૉના માલ્મગ્રેનને હરાવીને બ્રૉન્ઝ મેડલ જીતી હતી. ફોગાટ ૨૦૧૯માં પણ કઝાખસ્તાન ખાતેની વર્લ્ડ ચૅમ્પિયનશિપ્સમાં પણ કાંસ્યચંદ્રક જીતી હતી. તે કૉમનવેલ્થ ગેમ્સમાં ત્રણ મેડલ જીતી ચૂકી છે.
ઑસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ બૅટર સાયમન કૅટિચ જાન્યુઆરીમાં રમાનારી સાઉથ આફ્રિકાની ટી૨૦ લીગ માટેની મુંબઈ ઇન્ડિયન્સના નામે ઓળખાનારી એમઆઇ કેપ ટાઉન ટીમનો ચીફ-કોચ નિમાયો છે. સાઉથ આફ્રિકાના ટોચના બૅટર હાશિમ અમલાને આ ટીમનો બૅટિંગ-કોચ બનાવાયો છે. આ ટીમે અત્યાર સુધી રબાડા, ડેવાલ્ડ બ્રેવિસ, રાશિદ ખાન, સૅમ કરૅન અને લિઆમ લિવિંગસ્ટનને સાઇન કરી લીધા છે.
કોઇમ્બ્તુરમાં દુલીપ ટ્રોફીની ચાર-દિવસીય સેમી ફાઇનલમાં વેસ્ટ ઝોને ગઈ કાલે પ્રથમ દિવસે ૨૫૨ રનમાં ૯ વિકેટ ગુમાવી દીધી હતી. સેન્ટ્રલ ઝોન વતી સ્પિનર કુમાર કાર્તિકેયે ૬૬ રનમાં પાંચ વિકેટ લીધી હતી. વેસ્ટની ટીમમાં પૃથ્વી શૉ (૬૦) અને રાહુલ ત્રિપાઠી (અણનમ ૬૪)ની હાફ સેન્ચુરી હતી. શમ્સ મુલાનીએ ૪૧ રન બનાવ્યા હતા, પણ કૅપ્ટન રહાણે ૮ રન બનાવીને અને યશસ્વી જૈસવાલ ઝીરોમાં આઉટ થયો હતો. સાલેમ ખાતે બીજી સેમી ફાઇનલમાં પહેલા દિવસે નૉર્થ સામે સાઉથ ઝોને માત્ર બે વિકેટે ૩૨૪ રનનો તોતિંગ સ્કોર નોંધાવ્યો હતો. એમાં ઓપનર રોહન કન્નુમ્મલના ૧૪૩ રન અને કૅપ્ટન હનુમા વિહારીના અણનમ ૧૦૭ રન હતા. મયંક અગરવાલ ૪૯ રન બનાવીને આઉટ થયો હતો. નૉર્થના ૭ બોલર્સમાં નવદીપ સૈની અને નિશાન્ત સિંધુને એક-એક વિકેટ મળી હતી.