News In Short : કૅનેડામાં લક્ષ્ય સિદ્ધ થયું, હવે સેનનો ટાર્ગેટ યુએસ

11 July, 2023 12:41 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

હવે લક્ષ્ય સેનનો ટાર્ગેટ યુએસ ઓપન છે. કાઉન્સિલ બ્લફ્સમાં આ સ્પર્ધા આજે જ શરૂ થઈ રહી છે.

લક્ષ્ય સેન

કૅનેડામાં લક્ષ્ય સિદ્ધ થયું, હવે સેનનો ટાર્ગેટ યુએસ

ભારતના ટોચના બૅડ્મિન્ટન ખેલાડી લક્ષ્ય સેને રવિવારે કૅનેડા ઓપનની ફાઇનલમાં ઑલ ઇંગ્લૅન્ડ ચૅમ્પિયન ચીનના લિ શી ફેન્ગને પોતાના દમામદાર પર્ફોર્મન્સમાં સ્ટ્રેઇટ ગેમમાં ૨૧-૧૮, ૨૨-૨૦થી હરાવીને ટ્રોફી જીતી લીધી હતી. ગયા વર્ષે કૉમનવેલ્થ ગેમ્સમાં બૅડ્મિન્ટનમાં ગોલ્ડ મેડલ જીત્યા પછી લક્ષ્યનું આ પ્રથમ ટાઇટલ હતું. હવે લક્ષ્ય સેનનો ટાર્ગેટ યુએસ ઓપન છે. કાઉન્સિલ બ્લફ્સમાં આ સ્પર્ધા આજે જ શરૂ થઈ રહી છે.

યુથ આર્ચરીમાં પાર્થ સાળુંખે બન્યો વર્લ્ડ ચૅમ્પિયન

સાતારાનો ૧૯ વર્ષનો તીરંદાજ પાર્થ સાળુંખે યુથ વર્લ્ડ ચૅમ્પિયનશિપની રિકર્વ કૅટેગરીમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો છે. એ સાથે ભારતે આ સ્પર્ધામાં અત્યાર સુધીના પોતાના સર્વશ્રેષ્ઠ દેખાવમાં કુલ ૧૧ મેડલ સાથે સફર પૂરી કરી હતી. પાર્થે અન્ડર-૨૧ કૅટેગરીની ફાઇનલમાં કોરિયાના સૉન્ગ ઇન્જુનને ૭-૩થી હરાવ્યો હતો. ભારતે આ જ કૅટેગરીમાં વિમેન્સ ગ્રુપમાં બ્રૉન્ઝ મેડલ જીતી લીધો હતો. આ મેડલ ભારતની ભાજા કૌર ચાઇનીઝ તાઇપેઇની સુ સિન-યુને ૭-૧થી હરાવીને જીતી હતી.

વર્સ્ટેપ્પન સતત છઠ્ઠું F1 ટાઇટલ જીત્યો

નેધરલૅન્ડ્સ અને બેલ્જિયમનું નાગરિકત્વ ધરાવતો મૅક્સ વર્સ્ટેપ્પન રવિવારે સતત છઠ્ઠું F1 ટાઇટલ જીત્યો હતો. આ રેસ તે ઇંગ્લૅન્ડના સિલ્વરસ્ટનમાં જીત્યો હતો. એક તરફ અમેરિકાનો અભિનેતા બ્રૅડ પિટ પોતાની નવી ફિલ્મના શૂટિંગ માટે ફૉર્મ્યુલા-વન ગ્રિડમાં જોડાયો એ જ દિવસે રેડ બુલના રેસિંગ ડ્રાઇવર વર્સ્ટેપ્પને  બ્રિટિશ ગ્રાં પ્રિમાં આ સિદ્ધિ મેળવી હતી. તે કુલ ૧૧માંથી ૯ ગ્રાં પ્રિ જીત્યો છે. રવિવારે લૅન્ડો નૉરિસ બીજા નંબરે અને લુઇસ હૅમિલ્ટન ત્રીજા નંબરે રહ્યો હતો.

ભારતીય મહિલાઓને આજે સિરીઝ જીતવાની તક

મીરપુરમાં આજે ભારત અને બંગલાદેશની મહિલા ટીમ વચ્ચે ટી૨૦ સિરીઝની બીજી મૅચ રમાશે જે જીતીને હરમનપ્રીત કૌરની ટીમને ટ્રોફી પર કબજો કરવાનો મોકો મળશે. તેઓ રવિવારની મૅચ ૭ વિકેટે જીતીને ૧-૦થી આગળ હતી. એ વિજય બોલર્સના સુંદર દેખાવ બાદ હરમનપ્રીત અને સ્મૃતિ મંધાનાની ૭૦ રનની ભાગીદારીને કારણે મળ્યો હતો. જોકે આજે ઓપનર શેફાલી વર્માએ સારી બૅટિંગ કરવી પડશે. રવિવારે તે ત્રીજા જ બૉલમાં ઝીરોમાં આઉટ થઈ ગઈ હતી.

badminton news us open indian womens cricket team sports sports news