03 October, 2023 04:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જશ મોદી
મુંબઈનો ટેબલ ટેનિસ સ્ટાર જશ અમિત મોદી નાંદેડની ત્રીજી મહારાષ્ટ્ર સ્ટેટ રૅન્કિંગ ચૅમ્પિયનશિપમાં બે દિવસમાં બે ગોલ્ડ મેડલ જીત્યો છે. નાંદેડમાં શનિવારે તેણે મેન્સ ઓપનની ફાઇનલમાં સિદ્ધેશ પાન્ડેને ૪-૩થી હરાવ્યો હતો. સેમી ફાઇનલમાં જશ મોદીએ પોતાની જ ઍકૅડેમીના આદિ ચિટણીસને ૪-૩થી અને એ પહેલાં ક્વૉર્ટર ફાઇનલમાં મંદાર હાર્ડિકરને ૪-૧થી હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. રવિવારે જશ મોદીએ અન્ડર-19 બૉય્સમાં ફાઇનલમાં થાણેના સિદ્ધાંત દેશપાંડેને ૪-૦થી પરાજિત કરીને સુવર્ણચંદ્રક જીતી લીધો હતો. આ મહિને સ્લોવેનિયામાં યોજાનારી વર્લ્ડ યુથ ટેબલ ટેનિસ ચૅમ્પિયનશિપમાં કુલ ૧૬ ટીમ ભાગ લેશે જેમાંની એક ટીમ ભારતની છે. જશ મોદીનો એ ટીમમાં સમાવેશ છે. જશનો ભારતમાં અન્ડર-19માં ત્રીજો અને આંતરરાષ્ટ્રીય સ્તરે ૭૮મો રૅન્ક છે.
બ્રાઝિલનો વર્લ્ડ કપ વિજેતા ફુટબૉલર રોનાલ્ડિન્યો આ મહિનાની મધ્યમાં પહેલી વાર ભારતના પ્રવાસે આવશે. ખાસ કરીને તો તે કલકત્તા આવશે જ્યાં અગાઉ પેલે, મૅરડોના અને મેસી જેવા ફુટબૉલ-લેજન્ડ્સ આવી ચૂક્યા છે. ૪૩ વર્ષનો રોનાલ્ડિન્યો કલકત્તામાં અસંખ્ય ચાહકોને મળશે તેમ જ મુખ્ય પ્રધાન મમતા બૅનરજી સાથેની મુલાકાત દરમ્યાન તેમને જર્સી ભેટ આપશે. રોનાલ્ડિન્યોને ક્રિકેટ શીખવાની ખૂબ ઇચ્છા છે એટલે તે કલકત્તાના પ્રવાસમાં સૌરવ ગાંગુલી પાસેથી ક્રિકેટની થોડી ટિપ્સ મેળવશે અને તેની સાથે ક્રિકેટની મજા લેશે.
અમેરિકામાં પ્રોફેશનલ ફુટબૉલની ક્લબ-ટીમમાં ૧૩ વર્ષની ઉંમરનો ખેલાડી રમ્યો છે. અમેરિકા વતી ક્લબ ફુટબૉલમાં રમનાર ડૅવિઅન કિમ્બ્રો સૌથી યુવાન ખેલાડી છે. તે હજી તો ટીનેજ વયના આરંભમાં છે ત્યાં તેને સૅક્રેમેન્ટો રિપબ્લિક ટીમ વતી રમવાનો મોકો મળી ગયો. લાસ વેગસ લાઇટ્સ સામેની મૅચમાં તેને ૮૭મી મિનિટમાં રમવા મળ્યું હતું. ૨૦૨૧માં તેણે અન્ડર-13 ટીમ મૅચોમાં સૅક્રેમેન્ટોની ટીમ વતી રમીને કુલ ૩૧ મૅચ રમીને ૨૭ ગોલ કર્યા હતા.
ટોક્યોમાં રવિવારે પૅન પૅસિફિક ઓપન ટુર્નામેન્ટની ફાઇનલમાં રશિયાની વેરોનિકા કુદેરમેતોવાએ વર્લ્ડ નંબર-ટૂ જેસિકા પેગુલાને ૭-૫, ૬-૧થી હરાવી હતી. પ્રથમ સેટમાં ૦-૩થી પાછળ રહ્યા બાદ પેગુલાએ કમબૅક કરીને સ્કોર ૫-૫ની બરાબરીમાં લાવી દીધો હતો, પરંતુ ડબલ ફૉલ્ટને લીધે તે એ સેટ હારી ગઈ હતી.