09 May, 2023 11:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દીપક ધારિયા
તાશ્કંદની વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં રવિવારે ૫૧ કિલો વર્ગમાં હરિયાણાના બૉક્સર દીપક ધારિયાએ ટોક્યો ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ જીતનાર સાકેન બિબોસિનોવને હરાવીને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતીય લશ્કરના જવાન ધારિયાએ ૫૧ કિલો કૅટેગરીના વર્લ્ડ ચૅમ્પિયન સાકેનને છેલ્લી ત્રણ મિનિટમાં જબરદસ્ત મુક્કા મારીને પૉઇન્ટ્સ મેળવી લીધા હતા, જેના આધારે તેને ૫-૨ના તફાવતથી વિજેતા જાહેર કરાયો હતો. કૉમનવેલ્થના બે મેડલ જીતનાર મોહમ્મદ હુસામુદ્દીને ૫૭ કિલો વર્ગમાં રશિયાના એડુઆર્ડ સાવિનને ૫-૦થી પરાજિત કરીને ક્વૉર્ટર ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. જોકે ભારતના જ સુમીત કુન્ડુ (૭૫ કિલો) અને નરેન્દર બેરવાલ (૯૨+કિલો) હારી ગયા હતા.
રેડ બુલ F1 (ફૉર્મ્યુલા-વન)ની આ સીઝનની ચારેય રેસ જીત્યું હતું અને રવિવારે મૅક્સ વર્સ્ટેપ્પને માયામીની રેસ પણ જીતીને રેડ બુલને પાંચમી રેસ જિતાડીને અપરાજિત રાખ્યું છે. વર્સ્ટેપ્પન આ રેસમાં છેક નવમા નંબરે હતો, પણ ત્યાંથી ધીમે-ધીમે આગળ આવીને ચૅમ્પિયન બન્યો હતો. રેડ બુલનો જ સર્ગિયો પેરેઝ બીજા નંબરે આવ્યો હતો. વર્સ્ટેપ્પનની કરીઅરની આ ૩૮મી જીત હતી.
દોહામાં રવિવારે ઑલિમ્પિક્સના ક્વૉલિફાઇંગ રાઉન્ડ તરીકે યોજાયેલી જુડોની વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં રશિયાના સ્પર્ધકોએ રશિયાના નહીં, પણ ન્યુટ્રલ ઍથ્લીટ્સ તરીકે એન્ટ્રી કરતાં યુક્રેને પોતાના સ્પર્ધકોને પાછા બોલાવી લીધા હતા. યુક્રેને ગયા વર્ષે પોતાને ત્યાં યુદ્ધ શરૂ કરવા બદલ રશિયા અને એના સાથી-દેશ બેલારુસનો બહિષ્કાર કર્યો છે. આ સ્પર્ધામાં રશિયાના કુલ ૧૭ અને બેલારુસના બે સ્પર્ધક ભાગ લઈ રહ્યા છે.