News In Shorts: હૅરી બ્રુક વર્કલોડને કારણે બિગ બૅશમાં નહીં રમે

17 November, 2023 02:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડના યુવા બૅટર હૅરી બ્રુકે ઇન્ટરનૅશનલ મૅચોની વધી ગયેલી સંખ્યાને લીધે વર્કલોડને ધ્યાનમાં રાખીને બિગ બૅશ લીગ (બીબીએલ)ની આગામી સીઝનમાં ન રમવાનું નક્કી કર્યું છે

હૅરી બ્રુક વર્કલોડને કારણે બિગ બૅશમાં નહીં રમે

ઇંગ્લૅન્ડના યુવા બૅટર હૅરી બ્રુકે ઇન્ટરનૅશનલ મૅચોની વધી ગયેલી સંખ્યાને લીધે વર્કલોડને ધ્યાનમાં રાખીને બિગ બૅશ લીગ (બીબીએલ)ની આગામી સીઝનમાં ન રમવાનું નક્કી કર્યું છે. તેને મેલબર્ન સ્ટાર્સે ઓવરસીઝ ડ્રાફ્ટ મારફત મેળવ્યો હતો. બિગ બૅશની શરૂઆત ૭ ડિસેમ્બરથી ૨૪ જાન્યુઆરી સુધી રમાશે.

ઇઝરાયલ -સ્વિટ‍્ઝરલૅન્ડની મૅચ ૧-૧થી ડ્રૉ

હંગેરીના ફેલટમાં બુધવારે યુરોપિયન ચૅમ્પિયનશિપની ઇઝરાયલ અને સ્વિટ‍્ઝરલૅન્ડ વચ્ચેની ક્વૉલિફાઇંગ મૅચ ૧-૧થી ડ્રૉમાં ગઈ હતી. આ મૅચ મૂળ તો ઇઝરાયલના તેલ અવિવમાં રમાવાની હતી, પણ હમાસ સાથેના ઇઝરાયલના યુદ્ધને પગલે મૅચ હંગેરીમાં રાખવામાં આવી હતી. યુરોપમાં હંગેરી યહૂદીઓ માટે સૌથી સલામત દેશ છે અને એટલે જ ઇઝરાયલની મૅચ અહીં રખાઈ હતી. ઇઝરાયલ-તરફી ઘણા પ્રેક્ષકો ઇઝરાયલી ટીમને સપોર્ટ કરવા મૅચ જોવા આવ્યા હતા. સ્વિસ ટીમના રુબેને ૩૬મી મિનિટમાં ગોલ કર્યા પછી ૮૮મી મિનિટમાં ઇઝરાયલના શૉન વિઝમૅને ગોલ કરતાં મૅચ ડ્રૉમાં ગઈ હતી.

આફ્રિકા ખંડમાં વર્લ્ડ કપનો ક્વૉલિફાઇંગ રાઉન્ડ શરૂ

૨૦૨૬માં યોજાનારા ફુટબૉલ વર્લ્ડ કપનો આફ્રિકા ખંડનો ક્વૉલિફાઇંગ રાઉન્ડ બુધવારે મોરોક્કોમાં શરૂ થયો હતો, જેમાં ઇથોપિયા અને સીઅરા લીઓની વચ્ચેની મૅચ ૦-૦થી ડ્રૉમાં ગઈ હતી. ઇથોપિયા અને બીજા ૧૬ આફ્રિકન દેશોની ટીમ અન્ય દેશોમાં ક્વૉલિફાઇંગ મૅચ રમશે, કારણ કે તેમના દેશમાં આંતરરાષ્ટ્રીય સ્તરની મૅચ યોજી શકાય એવા સ્ટેડિયમ નથી.

football sports news