News In Shorts: હાલાન્ડે મૅન્ચેસ્ટર સિટીને નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચાડી

09 November, 2023 06:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચૅમ્પિયન્સ લીગમાં મંગળવારે મૅન્ચેસ્ટર સિટીએ અર્લિંગ હાલાન્ડના બે ગોલની મદદથી યંગ બૉય્‍સ સામે ૩-૦થી વિજય મેળવીને નૉકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો

ફાઇલ તસવીર

ચૅમ્પિયન્સ લીગમાં મંગળવારે મૅન્ચેસ્ટર સિટીએ અર્લિંગ હાલાન્ડના બે ગોલની મદદથી યંગ બૉય્‍સ સામે ૩-૦થી વિજય મેળવીને નૉકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. એ સાથે નૉર્વેના હાલાન્ડના ૩૪ મૅચમાં કુલ ૩૯ ગોલ થયા છે. હાલાન્ડે આ મૅચમાં બે ગોલ કર્યા હતા જેમાંનો એક ગોલ ખૂબ દૂરથી કર્યો હતો. તે હવે સિટી વતી ૪૧ ગોલ કરનાર મહાન ખેલાડી સર્જિયો ઍગ્વેરોના વિક્રમથી બે ડગલાં દૂર છે.

રોનાલ્ડોની ગેરહાજરીમાં તાલિસ્કાએ અલ નાસરને અપાવી જીત

કતારના દોહામાં મંગળવારે એશિયન ચૅમ્પિયન્સ લીગમાં અલ નાસરની ટીમમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો નહોતો, પણ તેની ગેરહાજરીમાં અલ-દુહાઇલ સામેની મૅચમાં ટીમને જિતાડવાની જવાબદારી સ્વીકારીને ઍન્ડરસન તાલિસ્કાએ ગોલની હૅટ-ટ્રિક કરીને વિજય અપાવ્યો હતો. તેણે ૨૭, ૩૭ અને ૬૫મી મિનિટે ગોલ કર્યા હતા. સાઉદી અરેબિયાની ટીમ અલ નાસર ચાર મૅચ રમીને ચારેચાર જીતી છે. અન્ય એક મૅચમાં નેમાર વિનાની અલ-હિલાલ ટીમને સર્બિયાના અલેક્સાન્ડર મિત્રોવિચે મુંબઈ સિટી સામે ૨-૦થી વિજય અપાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી.

ફુટબૉલના મેદાન પર ખોટી ચલણી નોટો અને ખોટા સોનાનો વરસાદ

યુરોપિયન ફુટબૉલની સર્વોચ્ચ સંસ્થા યુઈએફએ (યુઇફા)એ ચૅમ્પિયન્સ લીગમાં ટીમની તેમ જ મૅચની સંખ્યા વધારવાની યોજના ઘડી હોવાથી એની સામેના વિરોધમાં મંગળવારે જર્મનીના ડૉર્ટમન્ડમાં બોરિસિયા ડૉર્ટમન્ડ અને ન્યુકૅસલ વચ્ચેની મૅચ દરમ્યાન ક્રોધિત પ્રેક્ષકોએ ‘યુઇફાને ફુટબૉલની નહીં, પૈસાની જ ચિંતા છે’ એવા બૅનર સાથે દેખાવ કરીને મેદાન પર ખોટી બનાવટી નોટો અને સોનાની ખોટી લગડીઓનો વરસાદ વરસાવ્યો હતો.

ઇંગ્લૅન્ડ જીતીને સાતમે, ચૅમ્પિયન્સ ટ્રોફીમાં જઈ શકે

વર્લ્ડ કપ-૨૦૨૩ની બહાર થઈ ગયેલા ઇંગ્લૅન્ડે (૩૩૯/૯) ગઈ કાલે નેધરલૅન્ડ‍્સ (૩૭.૨ ઓવરમાં ૧૭૯/૧૦)ને ૧૬૦ રનથી હરાવીને અને ટેબલમાં સાતમા નંબરે આવીને ૨૦૨૫ની ચૅમ્પિયન્સ ટ્રોફી માટે ક્વૉલિફાય થવાની આશા જીવંત રાખી હતી. સ્ટોક્સ (૧૦૮ રન, ૮૪ બૉલ, છ સિક્સર, છ ફોર) મૅન ઑફ ધ મૅચ હતો. બ્રિટિશ ટીમમાં મલાને ૮૭ અને વૉક્સે ૫૧ રન બનાવ્યા હતા. મોઇન અને આદિલ રાશિદની ત્રણ-ત્રણ તથા વિલીની બે વિકેટને કારણે નેધરલૅન્ડ‍્સનો એકેય બૅટર ફિફ્ટી નહોતો બનાવી શક્યો.

વર્લ્ડ કપનો અત્યંત રસપ્રદ સિનારિયો

ભારત, સાઉથ આફ્રિકા, ઑસ્ટ્રેલિયા સેમી ફાઇનલમાં પહોંચી ગયાં છે અને ચોથા સ્થાન માટે ત્રણ ટીમ વચ્ચે હરીફાઈ છે. ન્યુ ઝીલૅન્ડ (૮ પૉઇન્ટ, ૦.૩૯૮ રનરેટ), પાકિસ્તાન (૮ પૉઇન્ટ, ૦.૦૩૬ રનરેટ) તથા અફઘાનિસ્તાન (૮ પૉઇન્ટ, -૦.૩૩૮ રનરેટ) સરખી સ્થિતિમાં છે. આજે ન્યુ ઝીલૅન્ડે શ્રીલંકાને હરાવવું પડશે, જ્યારે શુક્રવારે સાઉથ આફ્રિકા સામે જો અફઘાનિસ્તાન જીતશે તો જેટલા માર્જિનથી જીતશે એને ધ્યાનમાં લઈને શનિવારે ઇંગ્લૅન્ડને કેટલા તફાવતથી હરાવવું એ જાણવું પાકિસ્તાન માટે આસાન થઈ જશે. જો ન્યુ ઝીલૅન્ડ આજે ૩૦૦ બનાવ્યા પછી એક રનથી પણ જીતશે તો અફઘાનિસ્તાને આફ્રિકાને (ફર્સ્ટ ઇનિંગ્સના ૩૦૦ના ટોટલને લક્ષમાં રાખતા) ૨૭૩ રનથી હરાવવું પડશે. જોકે કિવીઓ આજે ૩૦૦ બનાવ્યા બાદ એક રનથી જીતશે તો શનિવારે પાકિસ્તાન જો ઇંગ્લૅન્ડને ૧૩૦ રનથી હરાવશે તો ભારત સામેની સેમીમાં આવી શકશે. જો પાકિસ્તાન ચોથે આવશે તો ભારત-પાકિસ્તાનની સેમી કલકત્તામાં રમાશે.

football sports sports news