24 December, 2022 02:14 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ટર્કીના સેલિબ્રિટી શેફના હાથમાં ટ્રોફી
ફિફા વર્લ્ડ કપની અત્યંત મૂલ્યવાન ટ્રોફીને માત્ર ફિફા પ્રમુખ, વિજેતા ખેલાડીઓ, ભૂતપૂર્વ ચૅમ્પિયન પ્લેયર્સ અને દેશના વડા પ્રધાન કે પ્રમુખ સહિતની પસંદગીની હસ્તીઓ જ અડી શકે છે, પરંતુ રવિવારે કતારના સ્ટેડિયમમાં ફ્રાન્સને ફાઇનલમાં હરાવીને આર્જેન્ટિનાએ જે ટ્રોફી જીતી લીધી એ ટર્કીના સોથ બે નામના સેલિબ્રિટી શેફે મેદાન પર જઈને થોડી વાર સુધી ટ્રોફી પોતાના હાથમાં પકડી રાખી એ બનાવની ફિફાની કમિટી દ્વારા તપાસ કરવામાં આવશે. આ સેલિબ્રિટી શેફ ખુદ ફિફાના પ્રમુખ જિયાની ઇન્ફેન્ટિનો સાથે ઘણી વાર જોવા મળ્યો છે. એ દિવસે સોથ બે નામનો શેફ વર્લ્ડ ચૅમ્પિયન આર્જેન્ટિનાના ખેલાડીઓને મળીને તેમની સાથે વાત કરવા માંડ્યો હતો.
આગામી ૧૩ જાન્યુઆરીએ ઓડિશામાં શરૂ થઈ રહેલા મેન્સ હૉકીના વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમનું સુકાન ડિફેન્ડર હરમનપ્રીત સિંહને સોંપાયું છે. ડિફેન્ડર અમિત રોહિદાસને વાઇસ-કૅપ્ટન બનાવાયો છે. ટોક્યો ઑલિમ્પિક્સમાં ભારતે મિડ-ફીલ્ડર મનપ્રીત સિંહના સુકાનમાં ઐતિહાસિક બ્રૉન્ઝ મેડલ જીતી લીધો હતો. વર્લ્ડ કપની ટીમ ઃ હરમનપ્રીત સિંહ (કૅપ્ટન), અમિત રોહિદાસ (વાઇસ-કૅપ્ટન), ક્રિશન બહાદુર પાઠક અને પી. આર. શ્રીજેશ (બન્ને ગોલકીપર), જરમનપ્રીત સિંહ, સુરેન્દર કુમાર, વરુણ કુમાર, નીલમ સંજીપ સેસ, મનપ્રીત સિંહ, હાર્દિક સિંહ, નીલકંઠ શર્મા, શમશેર સિંહ, વિવેક સાગર પ્રસાદ, આકાશદીપ સિંહ, મનદીપ સિંહ, લલિતકુમાર ઉપાધ્યાય, અભિષેક અને સુખજિત સિંહ. વૈકલ્પિક ખેલાડીઓ ઃ રાજકુમાર પાલ અને જુગરાજ સિંહ.
આગામી ૧૩થી ૨૯ જાન્યુઆરી દરમ્યાન ભુવનેશ્વર અને રુરકેલામાં યોજાનારા મેન્સ હૉકી વર્લ્ડ કપ વખતે દેશનાં તમામ રાજ્યોના મુખ્ય પ્રધાનોને આવવા આમંત્રણ આપવામાં આવશે, એવો નિર્ણય ઓડિશાની સરકારે લીધો છે.