News In Shorts : બૅન્ગકૉકની એશિયન સ્પર્ધામાં ‘હનુમાન’ની બોલબાલા

12 July, 2023 12:06 PM IST  |  Bangkok | Gujarati Mid-day Correspondent

આ સ્પર્ધાની ગવર્નિંગ કાઉન્સિલને ૫૦ વર્ષ પૂરાં થયાં છે

હનુમાન મૅસ્કોટ

બૅન્ગકૉકની એશિયન સ્પર્ધામાં ‘હનુમાન’ની બોલબાલા

થાઇલૅન્ડના બૅન્ગકૉકમાં આજે એશિયન ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ શરૂ થઈ રહી છે અને આ સ્પર્ધાના મૅસ્કોટ (પ્રતીક) તરીકે વીર હનુમાનને પસંદ કરવામાં આવ્યા છે. આ સ્પર્ધાની ગવર્નિંગ કાઉન્સિલને ૫૦ વર્ષ પૂરાં થયાં છે. એશિયન ઍથ્લેટિક્સ અસોસિએશને પ્રતીક તરીકે ‘લૉર્ડ હનુમાન’ને પસંદ કરવા પાછળનું કારણ આપતાં જણાવ્યું હતું કે ‘ભગવાન રામના સેવક તરીકે લૉર્ડ હનુમાનમાં ગજબની ક્ષમતાની ઝલક જોવા મળે છે. તીવ્ર ઝડપ, શક્તિ, હિંમત અને ચતુરાઈ હનુમાનજીની શ્રેષ્ઠ ખાસિયતો છે. એ ઉપરાંત શ્રીરામ પ્રત્યેની તેમની વફાદારી, નિષ્ઠા અને ભક્તિભાવ પણ અજોડ છે.’ ભારતીય ઍથ્લીટ્સ પાંચ દિવસની આ ઇવેન્ટ માટે શનિવારે રાતે દિલ્હી તથા બૅન્ગલોરથી રવાના થયા હતા.

ફુટબોલરે બે મહિલા પર બળાત્કાર કર્યો હોવાનું નકાર્યું

છેલ્લા ત્રણ મહિનામાં ત્રણ મોટાં ટાઇટલ જીતનાર મૅન્ચેસ્ટર સિટી ટીમના ભૂતપૂર્વ ખેલાડી બેન્જામિન મેન્ડીએ ફરી શરૂ થયેલી તપાસમાં કહ્યું છે કે તેણે આક્ષેપ કરનાર બન્ને મહિલા પર બળાત્કાર કર્યો જ નહોતો. ફ્રાન્સના આ ડિફેન્ડરનો સિટી સાથે ૧ જુલાઈ સુધી કૉન્ટ્રૅક્ટ હતો. તેણે ૨૦૧૮માં પોતાના ઘરમાં ૨૯ વર્ષની અને બે વર્ષ બાદ ૨૪ વર્ષની મહિલા પર બળાત્કાર કર્યો હોવાનો તેના પર આક્ષેપ છે. બેન્જામિને કહ્યું કે મેં બન્ને મહિલા સાથેની સહમતીથી જ તેમની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.

સૉકર ફૅન્સ વચ્ચેની અથડામણમાં મહિલાનું મૃત્યુ

બ્રાઝિલના સાઓ પાઉલોથી મળતા સંદેશા મુજબ પામેઇરસ અને ફ્લૅમેન્ગો ક્લબની ટીમની શનિવારની ફુટબૉલ મૅચ વખતે સ્ટેડિયમમાં બન્ને ટીમતરફી પ્રેક્ષકો વચ્ચેની અથડામણમાં બ્રાઝિલની ૨૩ વર્ષની ગૅબ્રિયેલા નામની મહિલાની ગરદન પર બિયરની બૉટલ વાગતાં તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને સોમવારે તેનું મૃત્યુ થયું હતું. એ કેસમાં ૨૬ વર્ષના એક શકમંદની ધરપકડ કરવામાં આવી હતી. 

ધોનીએ ચાહર વિશે મજાકમાં કહ્યું કે ‘તે ક્યારેય મૅચ્યોર થશે જ નહીં’

એમએસ ધોનીની ફિલ્મ પ્રોડક્શન કંપની ધોની એન્ટરટેઇનમેન્ટ દ્વારા નિર્મિત તામિલ ફિલ્મ ‘લેટ્સ ગેટ મૅરિડ’ના લૉન્ચિંગ વખતે ધોનીએ મજાકમાં ચેન્નઈ સુપર કિંગ્સના પેસ બોલર દીપક ચાહર વિશે કહ્યું કે ‘દીપક ડ્રગ જેવો છે. તે જો ન હોય તો તમને વિચાર થાય કે તે ક્યાં હશે? તે જો આસપાસ હોય તો તમને થશે કે તે કેમ અહીં છે. સારી વાત એ છે કે તે મૅચ્યોર થઈ રહ્યો છે, પરંતુ તકલીફ એ છે કે તેનામાં ધીમે-ધીમે મૅચ્યોરિટી આવી રહી છે. મને લાગે છે કે હું જીવીશ ત્યાં સુધી તે મને મૅચ્યોર થયેલો દેખાશે જ નહીં.’

thailand ms dhoni sports sports news