News In Short : સિંધુ પહેલા રાઉન્ડમાં મારિન સામે હારી, પ્રણોયે સેનને હરાવ્યો

12 January, 2023 01:02 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

એ પહેલાં એચએસ પ્રણોયે ભારતના જ લક્ષ્ય સેનને ૨૨-૨૪, ૨૧-૧૨, ૨૧-૧૮થી હરાવીને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો

પી. વી. સિંધુ અને કૅરોલિના મારિન

સિંધુ પહેલા રાઉન્ડમાં મારિન સામે હારી, પ્રણોયે સેનને હરાવ્યો

ઈજામુક્ત થયા બાદ પાંચ મહિને ફરી રમવા આવેલી ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન બૅડ્મિન્ટન ખેલાડી પી. વી. સિંધુ ગઈ કાલે ક્વાલા લમ્પુરની મલેશિયન ઓપનના પહેલા જ રાઉન્ડમાં સ્પેનની કટ્ટર હરીફ ખેલાડી કૅરોલિના મારિન સામે ૧૨-૨૧, ૨૧-૧૦, ૧૫-૨૧થી હારી ગઈ હતી. એ પહેલાં એચએસ પ્રણોયે ભારતના જ લક્ષ્ય સેનને ૨૨-૨૪, ૨૧-૧૨, ૨૧-૧૮થી હરાવીને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ડબલ્સમાં સત્વિકસાઇરાજ રૅન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ કોરિયાના સૉલ ગ્યુ ચોઇ અને વૉન હો કિમની જોડીને ૪૪ મિનિટમાં ૨૧-૧૬, ૨૧-૧૩થી હરાવીને પછીના રાઉન્ડમાં એન્ટ્રી કરી હતી.

એસએ૨૦ લીગમાં  એમઆઇનો વિજય

આઇપીએલની ૨૦૦૮ની સૌપ્રથમ સીઝનમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ પોતાની પ્રથમ મૅચમાં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર સામે હારી ગઈ હતી, પરંતુ મંગળવારે સાઉથ આફ્રિકાની ‘એસએ૨૦’ નામની નવી ટુર્નામેન્ટની રેકૉર્ડ-બુકમાં આ ફ્રૅન્ચાઇઝીનું નામ વિજેતા તરીકે લખાયું છે. મુંબઈ ઇન્ડિયન્સના ફ્રૅન્ચાઇઝીની માલિકીની એમઆઇ કેપ ટાઉન (એમઆઇસીટી) ટીમે પ્રારંભિક મૅચમાં પાર્લ રૉયલ્સ (પીઆર)ને ૨૭ બૉલ બાકી રાખીને ૮ વિકેટના મોટા માર્જિનથી પરાજિત કરી હતી. રાશિદની એમઆઇ કેપ ટાઉને ફીલ્ડિંગ પસંદ કર્યા બાદ પાર્લ રૉયલ્સે ૭ વિકેટે ૧૪૨ રન બનાવ્યા હતા, જેમાં વિકેટકીપર બટલર (૫૧ રન, ૪૨ બૉલ, એક સિક્સર, છ ફોર) અને કૅપ્ટન ડેવિડ મિલર (૪૨ રન, ૩૧ બૉલ, એક સિક્સર, ચાર ફોર)નાં સૌથી મોટાં યોગદાનો હતાં. એમઆઇ કેપ ટાઉને ૧૫.૩ ઓવરમાં જ ૧૪૩ રનનો લક્ષ્યાંક બે વિકેટના ભોગે મેળવી લીધો હતો. સાઉથ આફ્રિકાનો જ ડેવાલ્ડ બ્રેવિસ (૭૦ અણનમ, ૪૧ બૉલ, પાંચ સિક્સર, ચાર ફોર) આ જીતનો હીરો હતો. આઇપીએલના સૌથી મોંઘા (પંજાબ કિંગ્સ, ૧૮.૫૦ કરોડ રૂપિયા) ખેલાડી સૅમ કરૅને બે સિક્સર, એક ફોરની મદદથી ૨૦ રન બનાવ્યા હતા.

sports news sports cricket news t20 pv sindhu badminton news