10 January, 2023 01:00 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પી. વી. સિંધુ
ક્વાલા લમ્પુરમાં આજે મલેશિયન ઓપન બૅડ્મિન્ટન સ્પર્ધા શરૂ થઈ રહી છે અને એમાં રમીને પી. વી. સિંધુએ તીવ્ર હરીફાઈનો સામનો કરવો પડશે. સિંધુ પગની ઘૂંટીની ઈજાને લીધે પાંચ મહિના બૅડ્મિન્ટન કોર્ટથી દૂર રહી હતી, પરંતુ હવે નવા કૅલેન્ડર યરની આ પહેલી ચૅમ્પિયનશિપમાં તે તેમ જ એચ. એસ. પ્રણોય અને લક્ષ્ય સેન સહિતના ભારતના ટોચના સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. તેઓ ૨૦૨૨નું વર્ષ સારું રહ્યા બાદ હવે ૨૦૨૩ને પણ સફળ બનાવવા મક્કમ છે. છેલ્લે ઑગસ્ટની કૉમનવેલ્થ ગેમ્સમાં રમનાર સિંધુએ કટ્ટર હરીફ સ્પેનની કૅરોલિના મારિનનો સામનો કરવો પડશે. ડ્રૉ મુજબ સેને પ્રણોય સામે જ રમવું પડશે, જ્યારે કિદામ્બી શ્રીકાંતે કેન્તા નિશિમોતો અને જૉનેટન ક્રિસ્ટી સામે રમવું પડશે.
ફ્રાન્સના ફુટબોલર કીલિયાન ઍમ્બપ્પે પાસે વર્લ્ડ કપની ટ્રોફી હતી જે આર્જેન્ટિનાના લિયોનેલ મેસી પાસે નહોતી, પરંતુ મેસી પાસે હવે એ આવી ગઈ એ પછી હવે મેસી પાસે વિશ્વના સર્વશ્રેષ્ઠ ફુટબોલર તરીકેની બૅલન ડિઑર નામની જે સાત પ્રતિષ્ઠિત ટ્રોફી છે એ ટ્રોફી પહેલી વાર ઍમ્બપ્પે જીતવા માગે છે. જોકે આગામી બૅલન ડિઑર ટ્રોફી જીતવા માટે બન્ને વચ્ચે હરીફાઈ જોવા મળશે.
સાઉદી અરેબિયાની અલ નાસર ક્લબની ટીમમાં ૧૭૦૦ કરોડ રૂપિયાના વિશ્વવિક્રમી વાર્ષિક ફીના બદલામાં જોડાયેલો પોર્ટુગલનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આ ક્લબ વતી પહેલી મૅચ કદાચ મેસી, નેમાર અને ઍમ્બપ્પેવાળી પૅરિસ સેન્ટ-જર્મેઇન (પીએસજી) ટીમ સામે રમશે. એપ્રિલ, ૨૦૨૨માં એવર્ટન સામેની એક મૅચમાં રોનાલ્ડો તેની ભૂતપૂર્વ ટીમ મૅન્ચેસ્ટર યુનાઇટેડની હાર થયા બાદ ગુસ્સામાં હતો અને ત્યારે તેણે એક ફુટબૉલપ્રેમીના હાથ પર ફટકો મારીને તેનો મોબાઇલ નીચે પાડી દીધો એ વર્તન બદલ રોનાલ્ડોના રમવા પર બે મૅચનો પ્રતિબંધ મુકાયો હતો. તે અલ નાસર ક્લબની બે મૅચ ગુમાવ્યા પછી હવે પીએસજી સામેની ફ્રેન્ડ્લી મૅચથી રમવાનું શરૂ કરશે.
ટેનિસની સર્વોચ્ચ સ્પર્ધા વિમ્બલ્ડન ચૅમ્પિયનશિપનો તાજ બે વખત જીતનાર ચેક રિપબ્લિકની પેટ્રા ક્વિટોવાએ ગઈ કાલે ઍડીલેડ ઇન્ટરનૅશનલ સ્પર્ધામાં વર્તમાન વિમ્બલ્ડન ચૅમ્પિયન અલીના રબાકિનાને ૬-૩, ૭-૫થી હરાવી હતી. ક્વિટોવા ૨૦૧૯માં ઑસ્ટ્રેલિયન ઓપનમાં રનર-અપ રહી હતી અને હવે તે ૧૫મી વાર ઑસ્ટ્રેલિયન ઓપનમાં રમવાની છે.