News in Short: હૉકીમાં ભારતીય જુનિયર મહિલા ટીમે સાઉથ આફ્રિકાને હરાવ્યું

22 February, 2023 12:35 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભારતે સિરીઝ ૩-૦થી જીતી લીધી છે. પહેલી મૅચ ભારતે ૮-૧થી અને બીજી મૅચ ૮-૦થી જીતી લીધી હતી

News in Short: હૉકીમાં ભારતીય જુનિયર મહિલા ટીમે સાઉથ આફ્રિકાને હરાવ્યું

હૉકીમાં ભારતીય જુનિયર મહિલા ટીમે સાઉથ આફ્રિકાને હરાવ્યું

સાઉથ આફ્રિકાના પ્રવાસે ગયેલી ભારતની જુનિયર (અન્ડર-21) મહિલા હૉકી ટીમે જોહનિસબર્ગમાં યજમાન દેશની અન્ડર-21 વિમેન્સ ટીમને અંતિમ મૅચમાં શૂટઆઉટમાં ૪-૩થી હરાવી હતી. ફુલટાઇમના અંત વખતે બન્ને ટીમ ૦-૦થી બરાબરીમાં હતી. ભારતે સિરીઝ ૩-૦થી જીતી લીધી છે. પહેલી મૅચ ભારતે ૮-૧થી અને બીજી મૅચ ૮-૦થી જીતી લીધી હતી. હવે પ્રીતિની કૅપ્ટન્સીમાં ભારતીય અન્ડર-21 ટીમ સાઉથ આફ્રિકા ‘એ’ ટીમ સામે બે મૅચ રમશે.

સાનિયાની કરીઅર દુબઈમાં ફર્સ્ટ રાઉન્ડની હાર સાથે પૂરી

સાનિયા મિર્ઝા ગઈ કાલે દુબઈમાં અમેરિકાની પાર્ટનર મૅડિસન કીઝ સાથેની જોડીમાં દુબઈ ડ્યુટી ફ્રી ચૅમ્પિયનશિપ્સની ડબલ્સની પહેલા રાઉન્ડની મૅચમાં હારી ગઈ હતી અને એ સાથે સાનિયાની શાનદાર કરીઅર પર પડદો પડી ગયો હતો. આ જોડીનો રશિયાની કુડ્રેમીટોવા-સૅમ્સોનોવા સામે ૪-૬, ૦-૬થી પરાજય થયો હતો. ૩૬ વર્ષની સાનિયા ૨૦ વર્ષની કારકિર્દીમાં ૬ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતી હતી. ક્રિકેટર શોએબ મલિકનાં લગ્ન પછી સાનિયા મોટા ભાગે દુબઈ રહે છે.

૩૦ દેશ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં રશિયા પર બૅન માગે છે

૨૦૨૪ની પૅરિસ ઑલિમ્પિક્સ સહિતની તમામ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં રશિયા તથા યુક્રેન સામેના એના મિત્ર-દેશ બેલારુસના ભાગ લેવા પર પ્રતિબંધ મૂકવાની પ્રતિજ્ઞા ૩૦થી પણ વધુ દેશોએ લીધી છે. યુક્રેનના પ્રમુખ વૉલોદિમીર ઝેલેન્સ્કીએ ગયા મહિને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે ૨૦૨૪ની ફ્રાન્સની ઑલિમ્પિક્સમાં રશિયા અને બેલારુસને કોઈ સ્થાન ન હોવું જોઈએ. યુક્રેને એવું પણ કહ્યું છે કે જો રશિયા-બેલારુસના ઍથ્લીટ્સને તટસ્થ દેશમાં પણ રમવા દેવાશે તો યુક્રેન ઑલિમ્પિક્સનો બહિષ્કાર કરશે.

રિચા ઘોષ ટી૨૦ના ટૉપ- 20માં પહોંચેલી પાંચમી ભારતીય

ભારતની મહિલા ક્રિકેટ ટીમની વિકેટકીપર-બૅટર રિચા ઘોષ આઇસીસીના ટી૨૦ માટેના ટોચના ૨૦ રૅન્કિંગ્સમાં પહોંચેલી પાંચમી ભારતીય ખેલાડી બની છે. સાઉથ આફ્રિકામાં ચાલતા વર્લ્ડ કપમાંના શાનદાર પર્ફોર્મન્સને લીધે રિચાએ ૧૬ ક્રમની છલાંગ મારીને કરીઅર-બેસ્ટ ૨૦મા રૅન્ક પર આવી ગઈ છે. બૅટિંગના આ રૅન્કિંગ્સમાં મંધાના ૩ નંબર પર, શેફાલી ૧૦ નંબર પર, જેમાઇમા ૧૨ નંબર પર અને હરમનપ્રીત ૧૩ નંબર પર છે.

sports sports news cricket news hockey indian womens hockey team south africa russia international cricket council indian womens cricket team sania mirza tennis news dubai