30 October, 2022 10:15 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય મિડ-ડે
કૉમનવેલ્થ ગેમ્સની ચૅમ્પિયન સાત્ત્વિક સાંઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ પૅરિસમાં રમાઈ રહેલી ફેન્ચ ઓપન સુપર ૭૫૦ બૅડ્મિન્ટન ટુર્નામેન્ટમાં કોરિયાના ખેલાડી ચોઈ સોલ ગ્યુ અને કિમ વોન હોને ૨૧-૧૮, ૨૧-૧૪થી હરાવીને મેન્સ ડબલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ઑગસ્ટમાં યોજાયેલી વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં વિજય મેળવનાર ભારતીય જોડી હવે ઇંગ્લૅન્ડ અને ચાઇનીઝ તાઇપેઇની જોડી વચ્ચે રમાનારી બીજી સેમી ફાઇનલના વિજેતા સામે રમશે. ૨૦૧૯માં આ સ્પર્ધામાં રનર-અપ રહેનારી ભારતીય જોડી ગઈ કાલની મૅચમાં ક્યારેય મુશ્કેલીમાં જણાઈ નહોતી.
દિગ્ગજ ફાસ્ટ બોલર જેફ થૉમસનના મતે જસપ્રીત બુમરાહે તેની કારકિર્દીને લંબાવવી હશે તો ત્રણે ફૉર્મેટમાં રમવું ન જોઈએ, કારણ કે એનાથી તેના શરીર પર વધુ દબાણ આવશે. બુમરાહ હાલ વિશ્વના શ્રેષ્ઠ બોલરો પૈકી એક છે, પરંતુ પીઠ પર થયેલી સ્ટ્રેસ ફ્રૅક્ચરને કારણે ટી૨૦ વર્લ્ડ કપમાં નથી રમી શક્યો. ૭૦ તેમ જ ૮૦ના દાયકામાં ફાસ્ટ બોલિંગથી હાહાકાર મચાવનાર થૉમસને બુમરાહને ત્રણેય ફૉર્મેટમાંથી કોઈ ફૉર્મેટને પસંદ કરવા માટે જણાવ્યું છે. તેણે કહ્યું કે બુમરાહ તેના શરીર પર બહુ જ ભાર આપે છે. પરિણામે તે ઈજાગ્રસ્ત થવાનો જ છે. થૉમસને પોતાની કરીઅરમાં ૫૧ ટેસ્ટમાં ૨૦૦ વિકેટ લીધી હતી.
ભારતના શંકર મુથ્થુસામીએ થાઇલૅન્ડના પેનિચાફોન તેરારતસાકુલને બીડબ્લ્યુએફ વર્લ્ડ જુનિયર ચૅમ્પિયનશિપની સેમી ફાઇનલમાં ૨૧-૧૩, ૨૧-૧૫થી હરાવીને અન્ડર-૧૯ સિંગ્લ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતે આ સ્પર્ધાના ઇતિહાસમાં એક ગોલ્ડ, ત્રણ સિલ્વર અને પાંચ બ્રૉન્ઝ મેડલ જીત્યા છે. છેલ્લે ૨૦૧૮માં લક્ષ્ય સેન બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. સાઇના નેહવાલ ૨૦૦૮માં યોજાયેલી આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનાર એકમાત્ર ભારતીય છે. ૨૦૦૬માં પણ તે ફાઇનલમાં પહોંચી હતી.