News in Short: મેસીને ચિયર-અપ કરીને કાર્તિક આર્યનનો અવાજ બેસી ગયો

20 December, 2022 02:29 PM IST  |  Doha | Gujarati Mid-day Correspondent

મેસીએ આર્જેન્ટિનાને ૩૬ વર્ષે ફરી વર્લ્ડ કપની ટ્રોફી જિતાડવામાં સૌથી મોટું યોગદાન આપ્યું

કાર્તિક આર્યન

મેસીને ચિયર-અપ કરીને કાર્તિક આર્યનનો અવાજ બેસી ગયો

જાણીતો બૉલીવુડ અભિનેતા કાર્તિક આર્યન રવિવારે આર્જેન્ટિના-ફ્રાન્સની ફાઇનલ જોવા કતારના સ્ટેડિયમમાં હતો અને ફેવરિટ ખેલાડી લિયોનેલ મેસીને ચિયર-અપ કરવામાં તેણે મિત્રો સાથે મળીને એટલી બધી બૂમો પાડી હતી કે તેનો અવાજ જ બેસી ગયો હતો. જોકે તેની મેસી પ્રત્યેની આ ઘેલછા વ્યર્થ નહોતી ગઈ, કારણ કે છેવટે મેસીએ મેદાન માર્યું હતું. આર્જેન્ટિનાને ૩૬ વર્ષે ફરી વર્લ્ડ કપની ટ્રોફી જિતાડવામાં સૌથી મોટું યોગદાન આપનાર કાર્તિકે ક્રીતિ સૅનન સાથેની આગામી ફિલ્મના ટાઇટલને બંધ બેસે એવી ઓળખ આપતા મેસીને ફુટબૉલના ‘શેહઝાદા’ તરીકે ઓળખાવ્યો હતો.

વર્લ્ડ કપમાં રચાયો ૧૭૨ ગોલનો નવો વિક્રમ

રવિવારે કતારમાં આર્જેન્ટિના-ફ્રાન્સ વચ્ચેની ફાઇનલમાં મુખ્ય મૅચમાં જે કુલ ૬ ગોલ થયા હતા એ ગણતાં આખા વર્લ્ડ કપમાં થયેલા કુલ ગોલનો આંકડો ૧૭૨ પર પહોંચ્યો હતો અને એક વર્લ્ડ કપમાં થયેલા કુલ ગોલમાં આ નવો રેકૉર્ડ છે. ૧૯૯૮ તથા ૨૦૧૪માં કુલ ૧૭૧ ગોલ થયા હતા અને એ વિક્રમ આ વખતની ટુર્નામેન્ટમાં તૂટ્યો હતો. જોકે હવે ૧૭૨ ગોલનો વિક્રમ ૨૦૨૬ની સાલમાં તૂટશે જ, કારણ કે એ વર્લ્ડ કપમાં કુલ ૪૮ દેશની ટીમ ભાગ લેવાની છે. આ વખતે ભાગ લેનાર ટીમનો આંકડો ૩૨ હતો.

સાડાત્રણ વર્ષ પછી ફિફા વર્લ્ડ કપ અમેરિકા, મેક્સિકો, કૅનેડામાં

મધ્ય પૂર્વના આરબ દેશ કતારમાં ૨૦૨૨નો રોમાંચક ફિફા વર્લ્ડ કપ યોજાઈ ગયા બાદ હવે પછી ૨૦૨૬નો વિશ્વકપ અમેરિકા, મેક્સિકો, કૅનેડામાં સંયુક્ત રીતે યોજાશે. સાડાત્રણ વર્ષ બાદ યોજાનારા આ વર્લ્ડ કપની મૅચો કુલ ૧૬ શહેરોમાં રમાશે. રવિવારે આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચેની ફાઇનલ પહેલાં ત્રણેય દેશોના રાજદ્વારી પ્રતિનિધિમંડળ કતારના સ્ટેડિયમમાં ઉપસ્થિત રહ્યા હતા.

sports news sports football kartik aaryan lionel messi argentina