07 January, 2025 09:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નીરજ ચોપડા
ભારત માટે બે વાર ઑલિમ્પિક્સમાં મેડલ જીતનાર જૅવલિન થ્રોઅર નીરજ ચોપડાએ ભારતીય ઍથ્લીટ્સમાં વધી રહેલી ડોપિંગની સમસ્યા પર મોટું નિવેદન આપ્યું છે. વર્લ્ડ ઍન્ટિ-ડોપિંગ એજન્સીના રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૨૨માં વિશ્વમાં સૌથી વધુ ડોપિંગના કેસ ભારતમાં નોંધાયા છે.
એક ઇન્ટરવ્યુમાં નીરજે કહ્યું કે ‘આજકાલ આપણા ઍથ્લીટ્સમાં ડોપિંગ એક મોટી સમસ્યા છે. હું તેમને કહેવા માગું છું કે એક વાર ડોપિંગ મગજમાં આવી જાય તો ભવિષ્યમાં એ મુશ્કેલ બની જાય છે. તેઓ વિચારે છે કે માત્ર ડોપિંગ દ્વારા જ તેઓ વધુ સારું પ્રદર્શન કરી શકે છે, પરંતુ આ સાચું નથી. સખત મહેનત અને આત્મવિશ્વાસ, કોચનું યોગ્ય માર્ગદર્શન જ તમને આગળ લઈ જશે.’
ભવિષ્ય વિશે આશા વ્યક્ત કરતાં નીરજ કહે છે કે ‘સારું ખાઓ, સારી રીતે આરામ કરો અને સખત મહેનત કરો. બધું યોગ્ય રીતે કરો. સાચું કહું તો એક વાર તેઓ ડોપિંગ કરે છે, ત્યાં ડોપ-ટેસ્ટ થાય છે અને તેઓ પકડાય છે. પછી ૨-૪ વર્ષનો પ્રતિબંધ લાગે છે. એમાં જીવન નથી. એથી જો તમારે સારા સ્તરે રમવું હોય તો માનસિકતા બદલવી જરૂરી છે. હું તમામ કોચને વિનંતી કરું છું કે તેઓ તેમને એવું ન કહે કે ડોપિંગ તેમને મદદ કરશે અને તેમને એનાથી દૂર રાખો. જો ડોપિંગ નાબૂદ કરવામાં આવશે તો સમય જતાં ભારતીય રમતગમતનો લૅન્ડસ્કેપ ખીલશે અને યુવા પેઢીના સ્વસ્થ વિકાસનો માર્ગ મોકળો થશે.’