04 March, 2023 03:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પૅરા બૅડ્મિન્ટનમાં મનદીપ કૌર વર્લ્ડ નંબર વન બની
શારીરિક રીતે અક્ષમ મહિલા પૅરા બૅડ્મિન્ટન ખેલાડીઓમાં ટોચની ભારતીય ગણાતી મનદીપ કૌર ડબ્લ્યુએસ એસએલ-3 કૅટેગરીમાં વર્લ્ડ નંબર-વન બની છે. તેણે તાજેતરમાં સ્પેનમાં રમાયેલી ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીતીને આ સિદ્ધિ મેળવી હતી. ૨૮ વર્ષની મનદીપ ઉત્તરાખંડની છે.
બ્રાઝિલના ફુટબૉલ-લેજન્ડ રોનાલ્ડિન્યોનો ૧૮ વર્ષનો પુત્ર જોઆઓ મેન્ડિસને બાર્સેલોના ફુટબૉલ ક્લબે સાઇન કર્યો છે. જોઆઓએ પિતાનું અનુકરણ કર્યું છે. રોનાલ્ડિન્યો ૨૦૦૩થી ૨૦૦૮ દરમ્યાન પાંચ સીઝન સુધી બાર્સેલોના સાથે હતો એ દરમ્યાન તેણે ટીમને બૅક-ટુ-બૅક લા લિગા લીગના ટાઇટલ તેમ જ ચૅમ્પિયન્સ ટ્રોફી અપાવી હતી. રોનાલ્ડિન્યોએ બાર્સેલોના વતી ૨૦૭ મૅચ રમીને ૯૪ ગોલ કર્યા હતા. નવેમ્બર ૨૦૦૫માં બાર્સેલોનાએ તેના બે ગોલની મદદથી રિયલ મૅડ્રિડને ૩-૦થી હરાવ્યું ત્યારે ખુદ મૅડ્રિડની ટીમના ચાહકોએ રોનાલ્ડિન્યોને બિરદાવ્યો હતો.
ભારતની ટોચની ફુટબૉલ સ્પર્ધાઓમાં ગણાતી સંતોષ ટ્રોફીની નૉકઆઉટ મૅચો સાઉદી અરેબિયાના રિયાધમાં રમાઈ રહી છે અને આજે ફાઇનલ છે, જેમાં કર્ણાટક અને મેઘાલય વચ્ચે ટક્કર થશે. ભારતની નૅશનલ ફુટબૉલ સ્પર્ધાની ફાઇનલ વિદેશી ધરતી પર રમાય એવો આ પહેલો જ પ્રસંગ છે. કર્ણાટક છેલ્લે ૧૯૬૮-’૬૯માં સંતોષ ટ્રોફી જીત્યું હતું અને છેક ૫૦ વર્ષે આ રાજ્યની ટીમે ફરી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. મેઘાલયની આ પહેલી જ ફાઇનલ છે. અગાઉ આ રાજ્યની ટીમ સેમી ફાઇનલમાં પણ નહોતી પહોંચી, જ્યારે હવે એને ટાઇટલ જીતવાનો મોકો છે. મેઘાલયે ફાઇનલમાં પહોંચતાં પહેલાં ૩૨ વાર ચૅમ્પિયન બનનાર વેસ્ટ બેન્ગોલને, પાડોશી રાજ્ય મણિપુરને અને રેલવેની સ્ટ્રૉન્ગ ટીમને હરાવી હતી.
૨૦૨૨ના રણજી ચૅમ્પિયન મધ્ય પ્રદેશ સામેની પાંચ દિવસીય ઈરાની કપ મૅચમાં ગઈ કાલે ત્રીજા દિવસે રેસ્ટ ઑફ ઇન્ડિયાએ ૧૯૦ રનની સરસાઈ લીધા પછી ગઈ કાલે બીજા દાવમાં ૮૫ રનમાં એક વિકેટ ગુમાવી હતી. કૅપ્ટન મયંક અગરવાલ સેકન્ડ ઇનિંગ્સમાં ઝીરો પર આઉટ થઈ ગયો હતો. જોકે યશસ્વી જૈસવાલ પાછો મધ્ય પ્રદેશના બોલર્સને ભારે પડી રહ્યો છે. પહેલા દાવમાં ૨૧૩ રન બનાવનાર યશસ્વી ગઈ કાલે ૫૮ રને રમી રહ્યો હતો.