કોહલીએ રોનાલ્ડોનાં વખાણ કર્યાં એટલે મેસીના ફૅન્સનો પિત્તો ગયો!

13 December, 2022 12:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શનિવારે મૉરોક્કો સામેની ક્વૉર્ટર ફાઇનલમાં પોર્ટુગલનો નિસ્તેજ પર્ફોર્મન્સ બાદ ૦-૧થી પરાજય થયો

વિરાટ કોહલીએ ટ્‍વિટર-પેજ પર પોતાનો તેમ જ પોર્ટુગલના સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો આ ફોટો પોસ્ટ કર્યો છે.

ભારતના બૅટિંગ-લેજન્ડ વિરાટ કોહલીને ફુટબૉલની રમત બેહદ પ્રિય છે અને પોર્ટુગલનો સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો તેનો મોસ્ટ-ફેવરિટ ફુટબોલર છે. શનિવારે મૉરોક્કો સામેની ક્વૉર્ટર ફાઇનલમાં પોર્ટુગલનો નિસ્તેજ પર્ફોર્મન્સ બાદ ૦-૧થી પરાજય થયો એને પગલે પોર્ટુગલની અને ખાસ કરીને રોનાલ્ડોની સોશ્યલ મીડિયામાં ખૂબ ટીકા થઈ રહી છે અને એવામાં કોહલીએ રોનાલ્ડો (CR7)ને ટ્વિટરના પોસ્ટમાં Greatest Of All Time (GOAT) તરીકે ઓળખાવ્યો એટલે રોનાલ્ડોના કટ્ટર હરીફ ખેલાડી લિયોનેલ મેસીના ચાહકો તેમ જ ખુદ કોહલીના કેટલાક ફૅન્સે આક્રોશ વ્યક્ત કર્યો છે.

કોહલીએ મેસેજમાં શું લખ્યું હતું?

‘રોનાલ્ડો, તેં ફુટબૉલની રમત માટે અને વિશ્વભરમાં ફેલાયેલા આ મહાન રમતના ચાહકો માટે જેકંઈ કર્યું છે એની તોલે કોઈ ટ્રોફી કે કોઈ પણ ટાઇટલ ન આવે. લોકોના દિલોદિમાગ પર તારો જે પ્રભાવ રહ્યો છે અને હું તેમ જ વિશ્વના કરોડો લોકો તને રમતો જોતી વખતે જે લાગણીઓ અનુભવીએ છીએ એની સામે કોઈ પણ ટાઇટલ નાનું કહેવાય. આ જ તને ઈશ્વર પાસેથી મળેલી સુંદર બક્ષિસ છે. જે માણસ દરેક વખતે પૂરા દિલથી રમતો હોય, તનતોડ મહેનત તથા નિષ્ઠા માટે જે સર્વોત્તમ દૃષ્ટાંત ગણાતો હોય તેમ જ કોઈ પણ સ્પોર્ટ્સપર્સન માટે પ્રેરણામૂર્તિ હોય એવી વ્યક્તિને ખરા દિલથી શુભેચ્છા અને આશીર્વાદ કેવી રીતે ચુકાય. તું મારા માટે Greatest Of All Time (GOAT) છે.’

કોહલીને નેટિઝન્સે શું કહીને વખોડ્યો?

૧. મનીષ નામના નેટિઝને લખ્યું, ‘ફુટબૉલમાં કોની કેટલી ચાંચ ડૂબે છે એ જો કોહલી, તારે ખરેખર જાણવું હોય તો મેસી v/s રોનાલ્ડોનો રેકૉર્ડ જાણી લે. બધી ખબર પડી જશે. કુલ ૧૦૦૦ મૅચમાં મેસીના ૭૮૯ ગોલ સામે રોનાલ્ડોના ૭૨૫ ગોલ છે, મેસીએ ૩૪૮ ગોલને અસિસ્ટ કર્યા છે, જ્યારે રોનાલ્ડોના ખાતામાં માત્ર ૨૧૬ અસિસ્ટ છે.

૨. શકીલ અખ્તર નામના ફુટબૉલપ્રેમીએ ટ્વિટર પર લખ્યું, ‘ખરો Greatest Of All Time (GOAT) તો લિયોનેલ મેસી જ છે.

૩. Deeના ટ્વીટમાં આ મુજબ લખાયું હતું : રોનાલ્ડો અદ્ભુત ખેલાડી છે એની ના નથી, પણ તેને ગ્રેટેસ્ટ ઑફ ઑલ ટાઇમ તરીકે ઓળખાવવો એ જરા વધુપડતું કહેવાય. એ ઓળખાણ તો મેસી માટે જ હોવી જોઈએ.

૪. સિદ્ધાર્થ દાસે આ પ્રમાણે લખ્યું : ગ્લોબલ ફુટબૉલ સ્ટાર હોય કે પછી ભારતનો કોઈ ક્રિકેટ-હીરો, દરેક સ્પોર્ટ્સપર્સને યાદ રાખવા જેવી એક વાત એ છે કે તમે પર્ફોર્મન્સની દૃષ્ટિએ સાવ ફિનિશ થઈ જાઓ એ પહેલાં રમવાનું છોડી દો. ગ્રેટેસ્ટ ઑફ ઑલ ટાઇમ તેને કહેવાય જેને તેના સર્વોત્તમ સમયગાળા પછી પણ સ્ટૅન્ડમાં ચાહકો વચ્ચે માનભેર સ્થાન મળે અને તેમની સાથે જોડાઈને ટીમને ચિયર-અપ કરે.

sports news sports virat kohli cristiano ronaldo lionel messi football