મેસી, ઍમ્બપ્પે, નેમાર આવતી કાલથી પીએસજીને જિતાડવા મેદાનમાં આવશે

28 December, 2022 03:05 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વર્લ્ડ કપના સ્ટાર્સનું કતારની કશમકશ પછી હવે ધમાકેદાર કમબૅક

મેસી, ઍમ્બપ્પે, નેમાર આવતી કાલથી પીએસજીને જિતાડવા મેદાનમાં આવશે

આર્જેન્ટિના, ફ્રાન્સ, બ્રાઝિલ, મૉરોક્કો અને અન્ય દેશના સ્ટાર ફુટબોલર્સ ૧૮ ડિસેમ્બર સુધી કતારના વર્લ્ડ કપમાં એકમેકના હરીફ તરીકે જોવા મળ્યા ત્યાર પછી હવે એમાંના કેટલાક પ્લેયર્સ આવતી કાલથી પ્રોફેશનલ લીગ ટુર્નામેન્ટમાં સાથી-ખેલાડી તરીકે રમતા જોવા મળશે. ખાસ કરીને વિશ્વકપના સુપરસ્ટાર અને આર્જેન્ટિનાના લેજન્ડરી ફુટબોલર લિયોનેલ મેસીને ફ્રાન્સની લીગ-વન નામની ટુર્નામેન્ટમાં પૅરિસ સેન્ટ-જર્મેઇન (પીએસજી)માં ફાઇનલ મુકાબલાના કટ્ટર હરીફ અને ફ્રાન્સના નંબર-વન ખેલાડી કીલિયાન ઍમ્બપ્પેનો તેમ જ બ્રાઝિલના સ્ટાર નેમારનો સાથ મળી રહેશે.

વર્લ્ડ કપની ફાઇનલમાં મેસીના બે ગોલ અને ડી મારિયાના એક ગોલની મદદથી આર્જેન્ટિનાએ જે ત્રણ ગોલ કર્યા એની સામે ઍમ્બપ્પેએ ગોલની હૅટ-ટ્રિક કરી હતી અને ૩-૩ની બરાબરી બાદ મૅચ પેનલ્ટી-શૂટઆઉટમાં પહોંચી હતી, જેમાં આર્જેન્ટિનાનો ૪-૨થી એક્સાઇટિંગ વિજય થયો હતો. મેસીને ‘ગોલ્ડન બૉલ’ અવૉર્ડ અને ઍમ્બપ્પેને ‘ગોલ્ડન બૂટ’ પુરસ્કાર મળ્યો હતો. હવે આવતી કાલથી મેસી અને ઍમ્બપ્પે પીએસજીને જિતાડવા કોઈ કસર બાકી નહીં રાખે. લીગ-વન ટુર્નામેન્ટના પૉઇન્ટ્સ-ટેબલમાં પીએસજી પહેલા સ્થાને છે અને એની આવતી કાલે ૧૯મા નંબરની સ્ટ્રૅસબર્ગ સામે મૅચ છે. વર્લ્ડ કપમાં ચોથા નંબરે આવેલી આફ્રિકા ખંડના મૉરોક્કોની ટીમનો અશરફ હાકીમી પણ પીએસજીની ટીમમાં છે.

લા લિગા ટુર્નામેન્ટમાં આર્જેન્ટિનાનો વર્લ્ડ કપ સ્ટાર રૉડ્રિગો ડી પૉલ ઍટ્લેટિકો મૅડ્રિડ વતી અને ઍલેયેન્ડ્રો ગૉમેઝ સવિલા ટીમ વતી રમશે. એ જ ટીમમાં ફ્રાન્સનો ડેમ્બેલે પણ છે. સેરી-એ ટુર્નામેન્ટમાં એન્જલ ડી મારિયા યુવેન્ટ્સ વતી રમતો જોવા મળશે. ડી મારિયાએ વર્લ્ડ કપની ફાઇનલમાં મેસીના પ્રથમ ગોલ બાદ બીજો ગોલ કરીને આર્જેન્ટિનાને ૨-૦થી સરસાઈ અપાવી હતી.

sports news sports football lionel messi neymar psg