08 July, 2024 11:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જૉન સીના
જૉન સીનાએ તેની રેસલિંગ કરીઅરને ગુડબાય કરી દીધું છે. ૪૭ વર્ષના જૉન સીનાએ વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઇનમેન્ટ (WWE)ની શરૂઆત ૨૦૦૨થી કરી હતી. જોકે તેને ૨૦૦૧માં સાઇન કરવામાં આવ્યો હતો. ૨૦૧૮થી તે પાર્ટટાઇમ રેસલિંગ કરતો હતો, પરંતુ તેણે હવે સંપૂર્ણ રીતે રિટાયરમેન્ટ જાહેર કરી દીધું છે. WWEમાં ૧૬ વાર વર્લ્ડ ચૅમ્પિયન બનનાર દુનિયાના શ્રેષ્ઠ રેસલરમાંનો તે એક છે. તેણે ૨૦૦૬થી ઍક્ટિંગ કરીઅરની શરૂઆત કરી હતી. WWE દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી તેની પહેલી ત્રણ ફિલ્મોએ ઍક્ટિંગની કરીઅરમાં એની નોંધ દેખાડી હતી. જોકે ૨૦૧૮માં આવેલી ‘બમ્બલબી’ દ્વારા તેને ઘણી લોકપ્રિયતા મળી હતી. ‘ફાસ્ટ ઍન્ડ ફ્યુરિયસ’ની નવમી ફિલ્મને લીધે દુનિયાભરમાં તેની ઍક્ટિંગને કારણે પણ તે ફેમસ થયો હતો. જૉન શાહરુખ ખાનનો મોટો ફેન છે. ઘણી વાર તેણે શાહરુખ વિશે પોસ્ટ પણ કરી છે એથી તે બૉલીવુડમાં કામ કરવા માટે તૈયારી કરી રહ્યો હોય એવી ચર્ચા પણ ચાલી હતી. તે હવે રેસલિંગને બદલે તેના બિઝનેસ અને ઍક્ટિંગ કરીઅર પર ફોકસ કરવા માગે છે. WWEમાં તેના એન્ટ્રી-સૉન્ગમાં શબ્દો હતા, ‘માય ટાઇમ ઇઝ નાઉ’ એને બદલીને તેની મૅચમાં ‘ધ લાસ્ટ ટાઇમ ઇઝ નાઉ’ શબ્દો કરવામાં આવ્યા હતા. WWEની ૨૦૨૫ની ટુર્નામેન્ટ તેની છેલ્લી ફાઇટ હશે.