01 April, 2023 01:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતિકાત્મક તસવીર
રશિયાએ ગયા વર્ષે યુક્રેન સાથે યુદ્ધ શરૂ કર્યું ત્યારથી રશિયા અને એના મિત્ર-દેશ બેલારુસના ઍથ્લીટ્સ અને પ્લેયર્સને કોઈ પણ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં રમવા નથી દેવામાં આવતા અને ૨૦૨૪ની પૅરિસ ઑલિમ્પિક્સમાં આ બન્ને દેશના ભાગ લેવા પર પણ પ્રતિબંધ છે, પરંતુ ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક કમિટી (આઇઓસી)એ રશિયા અને બેલારુસના ઍથ્લીટ્સ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ઇન્ડિવિજ્યુઅલ ન્યુટ્રલ ઍથ્લીટ્સ તરીકે રમી શકે એ માટેનો માર્ગ મોકળો કરવા વિશે વિવિધ દેશોનાં ફેડરેશનને ભલામણ મોકલી છે. ઇન્ટરનૅશનલ ટેબલ ટેનિસ ફેડરેશને આ ભલામણને ટેકો જાહેર કર્યો છે. વિમ્બલ્ડન ટેનિસ ચૅમ્પિયનશિપમાં રશિયા, બેલારુસના ખેલાડી ન્યુટ્રલ પ્લેયર તરીકે ભાગ લઈ શકશે.
રશિયાના ઍથ્લીટ્સને વ્યક્તિગત તટસ્થ ઍથ્લીટ્સ તરીકે રમવા દેવાના પ્રયાસ થઈ રહ્યા છે, પરંતુ
રશિયા અને બેલારુસ પરનો પ્રતિબંધ તો ચાલુ જ રખાશે. બીજી રીતે કહીએ તો આ બે દેશ પોતાના રાષ્ટ્રધ્વજ હેઠળ પોતાના ઍથ્લીટ્સને કોઈ પણ હરીફાઈમાં નથી મોકલી શકતો. જોકે આઇઓસીની ભલામણ એવી છે કે રશિયા, બેલારુસના ઍથ્લીટ્સને વ્યક્ગિત તટસ્થ રીતે સ્પર્ધાઓમાં ભાગ લેવા દેવાશે, પણ એમાં તેઓ પોતાના રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગીત, દેશને લગતા રંગ કે અન્ય કોઈ પણ પ્રકારની ઓળખનો ઉપયોગ નહીં કરી શકે.