06 May, 2024 07:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બજરંગ પુનિયા
ભારતીય રેસલર બજરંગ પુનિયાને રાષ્ટ્રીય ટ્રાયલ દરમ્યાન ડોપ ટેસ્ટ માટે તેના નમૂના આપવાનો ઇનકાર કરવા બદલ અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (WFI) આ મામલે નૅશનલ ઍન્ટિ ડોપિંગ એજન્સી (NADA) પર અંધારામાં રાખવાનો આરોપ લગાવીને વર્લ્ડ ઍન્ટિ ડોપિંગ એજન્સી (WADA)ને ફરિયાદ કરવાની યોજના બનાવી રહ્યું છે. બજરંગને ૨૩ એપ્રિલે NADA દ્વારા કામચલાઉ સસ્પેન્શન આપવામાં આવ્યું હતું. તેમને વધુ શિસ્તભંગની કાર્યવાહી ટાળવા માટે ૭ મે સુધીમાં તેમનો જવાબ મોકલવા કહેવામાં આવ્યું હતું. બિશ્કેકમાં એશિયન ઑલિમ્પિક્સ ક્વૉલિફાયર માટે પુરુષોની રાષ્ટ્રીય ટીમ પસંદ કરવા માટેની ટ્રાયલ ૧૦ માર્ચે સોનીપતમાં યોજાઈ હતી અને બજરંગે તેની મૅચ હાર્યા બાદ તેનો નમૂનો આપ્યા વિના સ્થળ પરથી ચાલ્યો ગયો હતો. તેના સસ્પેન્શન પર બજરંગે કહ્યું કે તેણે ક્યારેય પોતાનું સૅમ્પલ NADA અધિકારીઓને આપવાનો ઇનકાર કર્યો નથી.
NADA પર તેને ‘એક્સપાયર્ડ કિટ’ આપવાનો આરોપ લગાવતાં તેણે ‘X’ પર લખ્યું કે ‘મેં ક્યારેય NADA અધિકારીઓને સૅમ્પલ આપવાની ના પાડી નથી, મેં તેમને વિનંતી કરી કે તેઓ મારું સૅમ્પલ લેવા માટે અગાઉ જે ‘એક્સપાયર્ડ કીટ’ લાવ્યા હતા એના પર તેઓએ શું પગલાં લીધાં એનો જવાબ મને આપો અને પછી ડોપિંગ ટેસ્ટ લો. મારા વકીલ વિદુષ સિંઘાનિયા સમય આવ્યે તમામ જવાબ આપશે.’