18 February, 2024 08:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ત્રિશા જૉલી અને ગાયત્રી ગોપીચંદ
બૅડ્મિન્ટન એશિયા ટીમ ચૅમ્પિયનશિપ ૨૦૨૪માં ભારતીય મહિલા ટીમે ઇતિહાસ રચ્યો છે. ભારતીય મહિલા ટીમે સેમી ફાઇનલમાં બે વખતની ભૂતપૂર્વ ચૅમ્પિયન જપાનની ટીમને ૩-૨થી હરાવીને પ્રથમ વખત બૅડ્મિન્ટન એશિયા ટીમ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ત્રિશા જૉલી અને ગાયત્રી ગોપીચંદની જોડી પ્રથમ ડબલ્સ જીતી, અસ્મિતા ચલિહાએ બીજી સિંગલ્સ જીતી અને ૧૭ વર્ષના અનમોલ ખરબે ભારતને ટાઇટલ મુકાબલામાં લઈ જવા માટે નિર્ણાયક સિંગલ્સ જીતી. ભારતીય મહિલા બૅડ્મિન્ટન ટીમે ક્વૉર્ટર ફાઇનલમાં હૉન્ગકૉન્ગને ૩-૦થી હરાવ્યું હતું. આજે ૧૮ ફેબ્રુઆરીએ થાઇલૅન્ડ સામે ફાઇનલમાં ગોલ્ડ જીતીને ભારતીય મહિલા ટીમ બૅડ્મિન્ટન એશિયા ટીમ ચૅમ્પિયનશિપમાં ભારતનો ડંકો વગાડશે. ઈજાના કારણે લાંબા સમય બાદ વાપસી કરી રહેલી પીવી સિંધુ પહેલી સિંગલ્સમાં અયા ઓહોરી સામે ૧૩-૨૧, ૨૦-૨૨થી હારી ગઈ હતી. ૨૦૧૬ અને ૨૦૨૦માં ભારતની પુરુષ ટીમે આ ટુર્નામેન્ટમાં બે બ્રૉન્ઝ મેડલ જીત્યા હતા. થાઇલૅન્ડ સામે ગોલ્ડ જીતીને ભારતીય મહિલા ટીમ પાસે બૅડ્મિન્ટન એશિયા ટીમ ચૅમ્પિયનશિપમાં પ્રથમ ગોલ્ડ જીતવાની તક છે.