06 November, 2024 12:31 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ઑલિમ્પિક્સ અને પૅરાલિમ્પિક્સ ગેમ્સ
૨૦૩૬ના વર્ષમાં યોજાનારી ઑલિમ્પિક્સ અને પૅરાલિમ્પિક્સ ગેમ્સની યજમાની માટે ભારતે મોટું પગલું ભર્યું છે. મળતા અહેવાલ અનુસાર રમતગમત મંત્રાલયે ૧ ઑક્ટોબરે ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક્સ કમિટી (IOC)ને લેટર ઑફ ઇન્ટેન્ટ આપીને ૨૦૩૬ના વર્ષની ઑલિમ્પિક્સની યજમાની કરવાની ભારત સરકારની ઇચ્છા વિશે વાત મૂકી છે. સાઉદી અરેબિયા, કતર અને ટર્કી જેવા અન્ય ઘણા દેશો ૨૦૩૬ના આ મહાકુંભની યજમાની માટે પોતાને પ્રબળ દાવેદાર માને છે.
ભારતે અગાઉ ૨૦૧૦માં કૉમનવેલ્થ ગેમ્સની યજમાની કરી હતી. એ ગેમ્સનું આયોજન નવી દિલ્હીમાં થયું હતું. ઑલિમ્પિક્સ ૨૦૩૬ માટે અમદાવાદને યજમાન શહેર બનવાના મજબૂત દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યું છે. જો ભારતને હોસ્ટિંગનો અધિકાર મળશે તો એ યોગ, ખો-ખો અને કબડ્ડી જેવી સ્વદેશી રમતોનો સમાવેશ કરવા માટે આગ્રહ કરશે.