નવ વર્ષની અતિકા મીર મોટરસ્પોર્ટ્‍સમાં ભારતનું નામ કરી રહી છે રોશન

26 July, 2024 01:50 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

કાર્ટિંગ ટાઇટલ મેળવનાર તે પ્રથમ ૯ વર્ષની છોકરી બની છે.

અતિકા મીર

ભારતની ૯ વર્ષની અતિકા મીર મોટરસ્પોર્ટ્‍સમાં નામ કમાઈ રહી છે. ફ્રાન્સમાં આવેલી લે મેન્સ કાર્ટ ઇન્ટરનૅશનલ સર્કિટમાં યોજાયેલી રોટેક્સ ચૅલેન્જ ઇન્ટરનૅશનલ ટ્રોફીમાં તેને કાર્ટિંગ ટાઇટલ મળ્યું છે. આ ટાઇટલ મેળવનાર તે પ્રથમ ૯ વર્ષની છોકરી બની છે. આ ટાઇટલ દુનિયાના ખૂબ જાણીતા F1 ડ્રાઇવર્સ મૅક્સ વેસ્ટાપન, લાન્ડો નોરિસ ને જ્યૉર્જ રસેલને મળ્યું છે. ૯ વર્ષની અતિકા મીર મૂળ કાશ્મીરની છે અને હાલમાં યુનાઇટેડ આરબ એમિરેટ્સમાં રહે છે. તેણે ઘણાં અચીવમેન્ટ્સ પોતાના નામે કર્યાં છે. તેના પિતા આસિફ નઝીર મીર છે અને તે ૨૦૦૦ના વર્ષમાં ભારતનો પ્રથમ નૅશનલ કાર્ટિંગ ચૅમ્પિયન બન્યો હતો. તેણે ફૉર્મ્યુલા એશિયામાં પણ ભાગ લીધો હતો અને ૬ રેસ જીત્યો હતો. તેને જોઈને અતિકા ૬ વર્ષની ઉંમરથી રેસ કરી રહી છે. જુમેરાહ પ્રાઇમરી સ્કૂલની વેબસાઇટમાં જણાવ્યા અનુસાર તે પ્રથમ ભારતીય મહિલા ડ્રાઇવર છે જેણે ૬ વર્ષની ઉંમરથી ઇન્ટરનૅશનલ કાર્ટિંગ ચૅમ્પિયનશિપમાં ભાગ લીધો હોય. તે રોટેક્સ ચૅમ્પિયનશિપ ૨૦૨૨-’૨૩ની મિની કૅટેગરીમાં એકમાત્ર મહિલા ડ્રાઇવર હતી. લે મેન્સ સર્કિટમાં અતિકાની સિદ્ધિને કારણે તેને હવે દુનિયાભરમાં ઓળખ મળી છે. તે હવે આવતા મહિને યુનાઇટેડ કિંગડમમાં વર્લ્ડ ફેમસ કાર્ટ માસ્ટર્સ ચૅમ્પિયનશિપમાં ભાગ લેશે.

sports sports news motor sports india life masala