22 January, 2024 07:31 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ભારતની જોડી સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી
નવી દિલ્હી : ઇન્ડિયા ઓપન ૨૦૨૪ની બૅડ્મિન્ટન ફાઇનલમાં ભારતની જોડી સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ હારનો સામનો કરવો પડ્યો છે. રવિવારે નવી દિલ્હીમાં રમાયેલી ઇન્ડિયા ઓપન ૨૦૨૪ની ફાઇનલ મૅચમાં સાઉથ કોરિયાની જોડી સિયુંગ જે અને હ્યુન સુક કાંગની જોડી ૨૧-૧૫, ૧૧-૨૧ અને ૧૯-૨૧થી ભારતની જોડીને હરાવીને ચૅમ્પિયન બની હતી.
સતત બીજી ફાઇનલમાં ભારતની જોડી હારી
આમ ભારતની આ સ્ટાર જોડી સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ચાલુ વર્ષે સતત બીજી ફાઇનલ મૅચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલાં મલેશિયા ઓપનની ફાઇનલ મૅચમાં ચીનની વાંગ-લિયાંગની જોડી સામે ૯-૨૧, ૨૧-૧૮ ૨૧-૧૮થી હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારત પહેલો સેટ સહેલાઈથી જીત્યું
ભારતની પુરુષ જોડી સાત્વિક અને ચિરાગે ફાઇનલ મૅચમાં શાનદાર શરૂઆત કરી હતી અને પહેલા સેટમાં ૧૧-૯થી લીડ મેળવ્યા બાદ ૨૧-૧૫થી જીત મેળવી હતી. જોકે સાઉથ કોરિયાની જોડીએ બીજા સેટમાં કમબૅક કર્યું હતું અને ૫-૧થી લીડ મેળવી લીધી હતી, પણ ભારતની જોડી આ ગૅપ ઓછો કરતાં ૮-૫ સુધી સ્કોર પહોંચાડવામાં સફળ રહી હતી, પરંતુ સાઉથ કોરિયાની જોડીએ સતત અટૅક કરવાનું ચાલુ રાખ્યું હતું અને સ્કોર ૧૫-૫ સુધી પહોંચાડી દીધો હતો. જોકે અંતે બીજો સેટ સાઉથ કોરિયાની જોડીએ ૨૧-૧૧થી જીતી લીધો હતો.
ત્રીજા સેટમાં કાંટે કી ટક્કર જોવા મળી
બન્ને જોડીએ ત્રીજા સેટમાં કાંટે કી ટક્કર આપી હતી. ૨-૨થી બરોબરી કર્યા બાદ કોરિયાની જોડીએ પ્રહાર કરતાં ગેમ ૬-૩ સુધી લઈ ગઈ હતી, પણ ભારતની જોડીએ હાર ન માનતાં પ્રહાર કરવાનું ચાલુ રાખ્યું હતું અને ગેમ ૧૮-૧૯ સુધી લઈ ગયા હતા. અહીં સાઉથ કોરિયાની જોડીએ અટૅક કરવાનું ચાલુ રાખ્યું હતું અને અંતે ત્રીજો સેટ ૨૧-૧૮થી જીતી લીધો હતો અને ભારતની જોડી સાત્વિક અને ચિરાગ રનર્સ-અપ રહ્યા હતા.ઇન્ડિયા ઓપનની ફાઇનલમાં પહોંચનાર સાત્વિક-ચિરાગ પ્રથમ ભારતીય. ભારતના કોઈ પણ બૅડ્મિન્ટન ખેલાડીએ ઇન્ડિયા ઓપન ટુર્નામેન્ટમાં પોડિયમ ફિનિશ નથી કર્યું. ભારતની સાત્વિક-ચિરાગની જોડી પહેલી જોડી બની હતી જેણે ફાઇનલમાં પહોંચવાની સિદ્ધિ મેળવી હતી.