23 January, 2023 12:56 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
થાઇલૅન્ડના યુવા ખેલાડી કુનલાવુત વિટિદસર્ન
થાઇલૅન્ડના યુવા ખેલાડી કુનલાવુત વિટિદસર્ને ઇન્ડિયા ઓપન બૅડ્મિન્ટનની મેન્સ ફાઇનલમાં બે વખત વર્લ્ડ ચૅમ્પિયન રહેલા વિક્ટર એક્સેલસનને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો તો વિમેન્સ સ્પર્ધામાં કોરિયાની એન સીયોંગે જપાનની ખેલાડી અકાને યામાગુચીને હરાવીને ચૅમ્પિયન બની હતી. ૨૧ વર્ષના કુનલાવુતે ઑલિમ્પિક ચૅમ્પિયન એક્સેલસનને ૬૪ મિનિટમાં ૨૨-૨૦, ૧૦-૨૧, ૨૧-૧૨થી હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો તો સીયોંગે વિશ્વની નંબર વન યામાગુચીને ૧૫-૨૧, ૨૧-૧૬, ૨૧-૧૨થી હરાવીને યુવા પ્રતિભાની એની પ્રતિષ્ઠામાં વધારો કર્યો હતો.
કુનલાવુતે વિજય બાદ કહ્યું હતું કે ‘વિક્ટર સામેની અગાઉની હાર બાદ હું શિખ્યો હતો કે જો તેને લાંબી રૅલીમાં સામેલ કરું તો મૅચને નિર્ણાયક પળ સુધી ખેંચી જઈ શકું.’ ડેનમાર્કનો ખેલાડી મૅચ પહેલાં ટાઇટલ જીતવા માટે ફેવરિટ હતો, કારણ કે તેનો અગાઉ હેડ ટુ હેડ રેકૉર્ડ ૬-૦નો હતો.