14 December, 2024 12:08 PM IST | Chennai | Gujarati Mid-day Correspondent
તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટૅલિને સોશ્યલ મીડિયા પર મૂકેલી પોસ્ટ(ડાબે), આંધ્ર પ્રદેશના ચીફ મિનિસ્ટર એન. ચંદ્રાબાબુ નાયડુની પોસ્ટ(જમણે)
૧૮ વર્ષની ઉંમરે યંગેસ્ટ વર્લ્ડ ચેસ ચૅમ્પિયન બનેલા ગુકેશ દોમ્મારાજુની સિદ્ધિ પર દેશ આફરીન પોકારી ઊઠ્યો છે ત્યારે દેશનાં જ બે રાજ્યો વચ્ચે ગુકેશને પોતાનો ગણવાની ચડસાચડસી ચર્ચાનો ચકડોળે ચડી છે.
ગુકેશ મૂળ તેલુગુ છે પણ તેનો જન્મ અને ઉછેર ચેન્નઈમાં છે. તેનાં મમ્મી-પપ્પા બન્ને મેડિકલ પ્રોફેશનલ છે.
આ ચડસાચડસીની શરૂઆત ગુરુવારે ગુકેશના વિજય પછી તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટૅલિને સોશ્યલ મીડિયા પર મૂકેલી પોસ્ટથી થઈ હતી. સ્ટૅલિને ગુકેશને મેડલ પહેરાવતો પોતાનો અગાઉનો ફોટો પોસ્ટ કરીને એની સાથે લખ્યું: ૧૮ વર્ષની ઉંમરે યંગેસ્ટ વર્લ્ડ ચેસ ચૅમ્પિયન બનવા બદલ ગુકેશ ડી.ને અભિનંદન. તારી નોંધપાત્ર સિદ્ધિ ભારતના સમૃદ્ધ ચેસવારસાને આગળ વધારે છે અને ચેન્નઈ ગ્લોબલ ચેસ કૅપિટલ છે એ વાતને ફરી સાબિત કરે છે. તામિલનાડુને તારા પર ગર્વ છે.
સ્ટૅલિનની આ પોસ્ટ પછી આંધ્ર પ્રદેશના ચીફ મિનિસ્ટર એન. ચંદ્રાબાબુ નાયડુની પોસ્ટ આવી જેમાં તેમણે ગુકેશનો એક ફોટો શૅર કરીને લખ્યું: માત્ર ૧૮ વર્ષની ઉંમરે વિશ્વના યંગેસ્ટ ચૅમ્પિયન બનીને સિંગાપોરમાં ઇતિહાસ રચવા બદલ આપણા પોતાના તેલુગુ બૉય, ઇન્ડિયન ગ્રૅન્ડમાસ્ટર ગુકેશને દિલથી અભિનંદન. આખો દેશ તારી આ જબરદસ્ત સિદ્ધિને ઊજવે છે. આવનારા દાયકાઓમાં તને આવા અનેક વિજય પ્રાપ્ત થાય એવી શુભેચ્છા.
બન્ને ચીફ મિનિસ્ટરોએ તો પોતપોતાની પોસ્ટ મૂકી દીધી, પણ ત્યાર બાદ પબ્લિકમાં ગુકેશ કોનો એ મુદ્દે સોશ્યલ મીડિયા પર નૉનસ્ટૉપ ચર્ચા ચાલુ છે.